Patan: સિદ્ધપુર પોલીસને મોટી સફળતા, આંગડિયા પેઢીના માલિકને લૂંટવાના ઈરાદે ફરતી ગેંગને હથિયારો સાથે ઝડપી પાડી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 17 Dec 2023 11:26 PM (IST)Updated: Sun, 17 Dec 2023 11:26 PM (IST)
patan-news-6-members-of-angadia-loot-gang-held-by-siddhpur

Patan: સિદ્ધપુર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં આંગડિયા પેઢીના માલિકને લૂંટવા આવેલી ગેંગ પોતાના ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે દબોચી લીધી છે. આ સાથે જ પોલીસે ગેંગ પાસેથી હથિયારો અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સિદ્ધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ સમયે બાતમી મળી હતી કે, ગંજ બજારમાં એચ.એમ આંગડિયા પેઢી નજીક કેટલાક ઈસમો બાઈક અને કાર લઈને લૂંટના ઈરાદા સાથે આવ્યા છે.

આ બાતમીના આધારે પોલીસની ટીમે તપાસ કરતાં કાર અને બાઈક સાથે 6 ઈસમો મળી આવ્યા હતા. જેમના વાહનોની તલાસી લેતા તેમાંથી હથિયારો અને મરચાની ભૂકી મળી આવી હતી.

આથી પોલીસે પૂછપરછ કરતાં આ ગેંગ એચ.એમ આંગડિયા પેઢીના માલિકને લૂંટવાના ઈરાદે આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતુ. આ ગેંગના સાગરિત કિશનસિંહ દરબારે રેકી કરીને આંગડિયા પેઢીના માલિક સાંજના સમયે 35 થી 40 લાખ રૂપિયા જેટલી રકમ કારમાં લઈ જતા હોવાની ટીપ પોતાના અન્ય સાગરિતોને આપી હતી. આથી તમામ લોકોએ આંગડિયા પેઢીના માલિકની આંખમાં મરચાની ભૂકી નાંખીને તેમને લૂટી લેવાની યોજના બનાવી હતી.

આ માટે આરોપીઓએ પોતાની પાસે છરી, પાઈપ અને લાકડાનો ધોકા સહિતના હથિયારો તેમજ મરચાની ભૂકી પોતાની સાથે રાખી હતી. હાલ તો પોલીસે કાર, બાઈક, હથિયારો સહિત 6 ઈસમોને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.