પાટણ: ગટરની સમસ્યા મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલ લાલઘૂમ, સ્થળ પર બોલાવી અધિકારીને ગંદા પાણીમાં બેસવા કહ્યું

પાટણના પદ્મનાભ વિસ્તારમાં 10 મહિના કરતા પણ વધુ સમયથી ગટરના ગંદા પાણીની સમસ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 05 Sep 2026 03:35 PM (IST)Updated: Sat, 05 Sep 2026 03:35 PM (IST)
patan-mla-kirit-patel-ask-municipal-officer-to-seat-in-sewage-water-over-drainage-public-issue
ધારાસભ્યએ અધિકારીને ખખડાવ્યા

Patan News: પાટણના પદ્મનાભ વિસ્તારમાં છેલ્લા 10 મહિના કરતા પણ વધુ સમયથી ગટરના ગંદા પાણીની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વહીવટી તંત્રએ આ સમસ્યાનો કોઈ ઉકેલ ન લાવતા ધારાસભ્ય કિરીટ પટેલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જવાબદાર અધિકારીને ટેલિફોન પર કડક શબ્દોમાં તતડાવ્યા બાદ ઘટનાસ્થળે બોલાવ્યા અને પ્રજાની હાલાકીનો વાસ્તવિક અહેસાસ કરાવવા માટે તેમને ગંદા પાણીમાં બેસવા માટે મજબૂર કર્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

ગંદા પાણીથી સ્થાનિકો ત્રસ્ત, રસ્તા પર બેસી વિરોધ

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં આવેલા પદ્મનાભ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર લાંબા સમયથી ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 મહિનાથી આ નરકાગાર જેવી સ્થિતિ યથાવત છે. આ અંગે નગરપાલિકા અને પ્રશાસનને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલ્યું નહોતું.

ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને ફોન પર તતડાવ્યા

અંતે વહીવટી તંત્રની ઘોર બેદરકારીથી કંટાળીને મહિલાઓ, પુરુષો અને વોર્ડના તમામ રહીશોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સ્થાનિક જનતાના આ આંદોલન અને આક્રોશમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા હતા. લોકોની દયનીય સ્થિતિ જોઈને લાલચોળ થયેલા ધારાસભ્યએ ઘટનાસ્થળેથી જ જવાબદાર અધિકારીને ફોન કરીને આક્રોશ ઠાલવ્યો હતો.

ધારાસભ્ય કિરિટ પટેલે ફોન પર અધિકારીને ધમકાવતા જણાવ્યું કે, "અહીં લોકો 9 મહિનાથી હેરાન થઈ રહ્યા છે. આ પાણી 1 કલાકની અંદર અહીંથી નીકળી જવું જોઈએ. જો તમે આ કામ ન કરી શકતા હોવ તો મારે આ મુદ્દો લઈને સોમવારે તમારી ઓફિસમાં આવવું પડશે. હું સોમવારે વિધાનસભા છોડીને સીધો તમારી ઓફિસમાં આવીને બેસીશ."ૉ

અધિકારીને નીચે બેસવા કહ્યું: "પ્રજાની વેદના અનુભવો"

ધારાસભ્યના આક્રોશ અને જનમેદનીના દબાણ બાદ જ્યારે જવાબદાર અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે તેમને ગટરના વહી રહેલા ગંદા પાણી તરફ ઈશારો કરીને ત્યાં જ બેસી જવા માટે જણાવ્યું હતું. તેમણે અધિકારીને કહ્યું કે, "તમે પોતે આ પાણીમાં બેસો એટલે ખબર પડે કે અહીંની જનતા છેલ્લા કેટલાય સમયથી કેવા પ્રકારની નરક જેવી સમસ્યાનો સામનો કરી રહી છે. તમારી ઓફિસ સુધી લોકોની વાજબી રજૂઆતો પહોંચતી નથી, તેથી જ નાગરિકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે."