પાટણમાં ઉજવાશે ‘જનજાતીય ગૌરવ દિવસ’: 15 નવેમ્બરે APMC યાર્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિકાસકામોની મળશે ભેટ

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બર, 2026ના રોજ પાટણના APMC માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 13 Nov 2026 08:40 AM (IST)Updated: Fri, 13 Nov 2026 08:40 AM (IST)
patan-janjatiya-gaurav-divas-celebration-nov-15-apmc-yard-birsa-munda-jayanti

Patan Janjatiya Gaurav Divas 2026: દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય સમાજના અમૂલ્ય યોગદાન અને તેમના ગૌરવશાળી ઇતિહાસને જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા સીમાચિહ્નરૂપ જનમોત્સવ કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા સહિત રાજ્યના 20 બિનઆદિજાતિ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પત્રકાર પરિષદમાં અધિકારીઓ ઉપસ્થિત

પાટણ જિલ્લામાં આ ઉજવણીના સુચારુ આયોજન અને કાર્યક્રમની વિગતો જનસામાન્ય સુધી પહોંચાડવાના હેતુથી જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાટણ ખાતેના નવા કોન્ફરન્સ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા, નાયબ કલેક્ટર ફાલ્ગુન પંચાલ, જિલ્લા માહિતી કચેરીના સ્ટાફગણ, પત્રકારમિત્રો તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાના જનજાતીય દિવસની ઉજવણી

પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં આગામી તા. 15 નવેમ્બર, 2026ના રોજ એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ ખાતે જિલ્લા કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જનજાતીય સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.

  • વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • વન અધિકાર પત્રોનું વિતરણ
  • જનજાતીય સમાજની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું સન્માન
  • વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવશે.

નાગરિકોને જિલ્લા વિકાસ અધિકારીએ કરી અપીલ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં છોટાઉદેપુર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવશે. ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદીની લડતમાં આપેલા અવિસ્મરણીય યોગદાન, જનજાતીય સમાજના અધિકારો અને સ્વાભિમાન માટે કરેલા સંઘર્ષને યાદ કરી તેમની પ્રેરણાદાયી વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી યોજાનારી આ ઉજવણીમાં જિલ્લાના નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બને તેવી જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી હતી.