Patan Firing News: પાટણ શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાટણના એક મોલ પાસે 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આરોપીઓ ફાયરિંગની ઘટનાને અંજામ આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
5થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી
સામે આવેલી વિગતો અનુસાર પાટણ શહેરના હાસાપુર વિસ્તારમા રોટલીયા હનુમાન મંદિર આવેલું છે. તેની નજીક આયુષ ટાઉનશિપ પાસે શ્રેય ફિટનેસ નીચે બુકાનીધારીઓએ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા પાટણ જિલ્લાના એસપી, એસઓજી, બી-ડિવિઝનનો સ્ટાફ અને એલસીબી સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો હતો. પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી તપાસ શરુ કરી છે. લોકોની ભારે અવરજવર વાળા વિસ્તારમાં અચાનક થયેલ આ ફાયરિંગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે કે બીજુ કઈ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ફાયરિંગ કરનારે બુકાની પહેરી હતી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ફાયરિંગ કરનારે બુકાની પહેરી હતી. બનાવની જાણ થતાં પાટણ એસપી, એલસીબી, બી-ડિવિઝન, એસઓજી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો છે. પોલીસે આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત નજીકના તમામ સીસીટીવી પણ તપાસમાં આવી રહ્યા છે. જેથી ફાયરિંગ કરનાર વિશે વધુ માહિતી મેળવી શકાય. જોકે, આ ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ આ અંગે ખુલાસો થશે.
