પાટણના ખેડૂતો માટે મોટી તક! બાગાયતી ખેતી માટે મળશે સરકારી સહાય, i-Khedut પોર્ટલ પર અરજી શરૂ

પાટણના ખેડૂતો માટે બાગાયત વિભાગની 3 નવી સહાય યોજનાઓ શરૂ. ફળપાક, ફિલ્ડ કવર, આદુ અને હળદરની ખેતી માટે i-Khedut Portal 2.0 પર 30 નવેમ્બર 2026 સુધી અરજી કરો. જાણો પાત્રતા અને જરૂરી દસ્તાવેજો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 20 Nov 2026 10:46 AM (IST)Updated: Fri, 20 Nov 2026 10:46 AM (IST)
patan-farmers-horticulture-subsidy-schemes-i-khedut-portal-application-2026

Patan News: પાટણ જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વધુ પ્રેરાય, બાગાયતી પાકોનું ઉત્પાદન અને ગુણવત્તા વધે તે હેતુથી બાગાયત ખાતા દ્વારા ત્રણ નવી સહાયલક્ષી યોજનાઓનો લાભ આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ 2.0 તા. 16/11/2026 થી તા. 30/11/2026 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ યોજનાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તારને વધારવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે)
  • ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે)
  • રાઇઝોમેટીક પાકો (આદુ અને હળદર)ને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ (ફક્ત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે)

અરજી સમયે કયા દસ્તાવેજોની જરુરિયાત

આ યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરતાં પહેલાં નવીન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કરાવી આધાર ઓથેન્ટિકેશન કરાવવું ફરજિયાત છે. અરજી પ્રક્રિયા માટે ખેડૂતોએ ઓટીપી મેળવવા માટે મોબાઈલ નંબર, 7/12 અને 8-અના અદ્યતન ઉતારાની અસલ નકલ, આધાર કાર્ડની નકલ, બેંક ખાતાની પાસબુક અથવા કેન્સલ ચેક તેમજ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતિ પ્રમાણપત્રની નકલ સહિતના જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે.

ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવી પડશે

ખેડૂતોએ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી, અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ અરજીની પ્રિન્ટ મેળવી તેના પર સહી કરીને પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ જ માન્ય થયેલ ઇનપુટ/સાધન/સામગ્રીની ખરીદી કરવાની રહેશે. ખરીદી બાદ ઓનલાઈન અરજી, સંમતિપત્રક, ખરીદીના બિલો તથા અન્ય જરૂરી આધાર-પુરાવા નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અપલોડ કરી ક્લેમ સબમિટ કરવાનો રહેશે. તમામ અસલ દસ્તાવેજો ખેડૂતોએ પોતાની પાસે સાચવી રાખવાના રહેશે.

ઈચ્છુક ખેડૂતોને નિયત સમયમાં અરજી કરવી

આ યોજનાઓ અંગે વધુ માર્ગદર્શન અને માહિતી માટે ઇચ્છુક ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર 335-36, ત્રીજો માળ, તિરૂપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. આથી પાટણ જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને આ યોજનાઓનો લાભ લેવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.