કિંજલ રબારી અને અશોક ચૌધરીના છૂટાછેડા કેસમાં મોટો વળાંક: મુદત હોવા છતાં કોર્ટમાં ન થયા હાજર, જાણો ગઇકાલે શું થયું?

રાધનપુર કોર્ટમાં વિવાદિત કેસની સુનાવણીની તારીખ નિયત કરવામાં આવી હતી, જોકે બપોરના સમયે વકીલો હાજર રહ્યા હોવા છતાં કિંજલ રબારી કે અશોક ચૌધરી બંનેમાંથી કોઈ પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા નહોતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 26 Sep 2026 03:20 PM (IST)Updated: Sat, 26 Sep 2026 03:20 PM (IST)
kinjal-rabari-ashok-chaudhary-divorce-case-radhanpur-court-hearing-october-6
કિંજલ રબારી અને અશોક ચૌધરીના છૂટાછેડા કેસ

Kinjal Rabari Ashok Chaudhary Divorce Case: સિંગર કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચેના પ્રેમ લગ્ન તેમજ ત્યારબાદ ઊભા થયેલા છૂટાછેડાના હાઇપ્રોફાઇલ વિવાદમાં એક નવો મોડ આવ્યો છે. રાધનપુર કોર્ટમાં વિવાદિત કેસની સુનાવણીની તારીખ નિયત કરવામાં આવી હતી, જોકે બપોરના સમયે વકીલો હાજર રહ્યા હોવા છતાં કિંજલ રબારી કે અશોક ચૌધરી બંનેમાંથી કોઈ પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા નહોતા. પક્ષકારોની ગેરહાજરીને પગલે અદાલતે કેસની આગામી સુનાવણી માટે 6 ઓક્ટોબર 2026ની નવી તારીખ જાહેર કરી છે.

કૌટુંબિક દબાણ અને કાનૂની ગૂંચવણ

ઉલ્લેખનીય છે કે કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ પરિવારની નારાજગીના કારણે બંને એકસાથે રહી શક્યા નહોતા. ત્યારબાદ કિંજલ રબારીએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જોકે, પાછળથી ગાયિકાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેમણે કૌટુંબિક દબાણ હેઠળ આવીને ડિવોર્સની અરજી કરી હતી. આ કેસમાં ગઈકાલે કિંજલ રબારીને તેમના પરિવાર સાથે કોર્ટમાં હાજર થવાનો આદેશ હતો, પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા.

અપહરણના આક્ષેપો અને મૈત્રી કરારનો વળાંક

આ સમગ્ર વિવાદ ચાલુ વર્ષના માર્ચ મહિનામાં ભારે ચર્ચામાં આવ્યો હતો. તે સમયે કિંજલ રબારીના મૈત્રી કરાર મુકેશ દેસાઈ સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક ગાડીમાં કિંજલ રબારી બેસીને જતાં સીસીટીવી ફૂટેજ સામે આવતા મુકેશ દેસાઈએ અપહરણનો આક્ષેપ મૂકી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ, ગાયિકા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને તમામ અફવાઓનો અંત લાવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતાની મરજીથી જ તેમના પહેલા પતિ અશોક ચૌધરી પાસે પાછા ફર્યા છે. ત્યારબાદ કિંજલ અને અશોક હાઈકોર્ટ સમક્ષ પણ હાજર થયા હતા, જ્યાં ગાયિકાએ સ્વેચ્છાએ અશોક ચૌધરી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

હવે સૌની નજર 6 ઓક્ટોબરના રોજ રાધનપુર કોર્ટમાં થનારી સુનાવણી પર ટકેલી છે કે શું કિંજલ રબારી અને અશોક ચૌધરી અદાલતમાં હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરે છે કે કેમ.