રાધનપુર.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(gujarat assembly election 2022)ની ચૂંટણીની આ મહિનાના અંત સુધીમાં તારીખ જાહેર થઇ શકે છે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાધનપુર વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રાધનપુર અને સમી તાલુકામાં ઠાકોર સમાજની જનમેદનીને સંબોધી હતી. આ સભા દરમિયાન 18 આલમે સભામાં હાજરી આપી વિધાનસભા ચૂંટણીમાં સમર્થન જાહેર કર્યું છે.
રાધનપુરના સમી તાલુકાના ગાજદીનપુરા ખાતે ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી સમાજની જનમેદનીને અલ્પેશ ઠાકોરે સંબોધી હતી. સભામાં 3 હજારથી વધુ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને અલ્પેશ ઠાકોરને સમર્થન આપ્યું હતું. ઉપરાંત ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ પણ લીધો હતો.
આ સભા દરમિયાન અલ્પેશ ઠાકોરે ત્રણેય તાલુકામાં જીઆઇડીસી બનાવીને મોટી સંખ્યામાં રોજગારી ઉભી કરવાની વાત કરી હતી. કેનાલ બનાવીને ખેડૂતો માટે પાણી અને લોકો માટે પીવાનું પાણી પૂરુ પાડવામાં આવશે તેવું આશ્વાશન આપ્યું હતું.
મોટી સંખ્યામાં હાજર રહેલા ઠાકોર સમાજના લોકોએ પોતે અલ્પેશ ઠાકોરની સાથે હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છેકે,આજ દિવસે રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના વિરોધીઓએ પણ સભાનું આયોજન કર્યું હતું પરંતુ તેમાં નહીવત હાજરી હોવાથી વિરોધીઓને નબળો પ્રતિસાદ મળ્યો હતો.
