Poshi Poonam 2026: પોષી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યના બે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અને ડાકોરમાં ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો હતો. શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની માં કાલિકાના દર્શનાર્થે એક લાખથી વધુ માઈભક્તો વહેલી સવારથી જ ડુંગર પર ઉમટી પડ્યા હતા. ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર પાવાગઢ પરિસર “જય કાલિકા મા”ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
પોષી પૂનમ અને શાકંભરી માતાની જયંતિ
પોષી પૂનમના દિવસે શાકંભરી માતાની જયંતિ પણ ઉજવવામાં આવે છે. શાકંભરી માતાને દેવી દુર્ગાનું એક સ્વરૂપ માનવામાં આવે છે, અને તેમની ઉપાસનાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે એવી ભક્તોની માન્યતા છે. આ કારણે પોષી પૂનમને આધ્યાત્મિકતા, ભક્તિ અને પવિત્રતાનો વિશેષ પર્વ માનવામાં આવે છે. કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથે જ ભક્તો સરળતાથી માંચી સુધી પહોંચી શકે અને નિર્વિઘ્ન દર્શન કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ડાકોરમાં માનવમહેરાણ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
બીજી તરફ, પોષી પૂનમના દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ઠાકોરજીના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંદાજે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ઠાકોરજી મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસ પ્રશાસન સવારે ચાર વાગ્યાથી જ ખડેપગે રહી ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

ટ્રાફિક વ્યવસ્થા બેહાલ બની
જો કે, આટલી મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓ માટે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આયોજન અપૂરતું અને અણઘડ સાબિત થયું હતું. ડાકોરમાં પાયાની સુખ-સુવિધાઓના અભાવને કારણે ભક્તોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ટ્રાફિક વ્યવસ્થા પણ બેહાલ બની જતા પોલીસને તેને સંભાળવામાં ભારે પરસેવો પાડવો પડ્યો હતો.
પોષી પૂનમના પાવન પર્વે પાવાગઢ અને ડાકોર બંને સ્થળોએ ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો, જ્યાં એક તરફ શ્રદ્ધા અને વ્યવસ્થાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું તો બીજી તરફ આયોજનની ખામીઓ પણ ખુલ્લી પડી હતી.
