પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ: 500 વર્ષ બાદ પુનઃજીવિત થયેલી પરંપરામાં હજારો ભક્તો ઉમટ્યા, 44 કિમીની ભક્તિમય પદયાત્રા

આજે સવારે 7:00 વાગ્યે પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરે ભવ્ય આરતી બાદ યાત્રીઓએ જય માતાજીના નાદ સાથે પ્રસ્થાન કર્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 19 Dec 2025 08:56 AM (IST)Updated: Fri, 19 Dec 2025 08:56 AM (IST)
pavagadh-parikrama-thousands-of-devotees-flock-to-tradition-revived-after-500-years

Pavagadh Parikrama: પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજથી ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમાનો ભક્તિસભર પ્રારંભ થયો છે. માગશર વદ અમાસના પવિત્ર દિવસે શરૂ થયેલી આ 44 કિલોમીટરની પદયાત્રામાં રાજ્યભરમાંથી આશરે ૨૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હોવાની સંભાવના છે.

500 વર્ષ બાદ પુનઃજીવિત થઈ પરંપરા

ઇતિહાસ મુજબ, 15મી સદીમાં મહંમદ બેગડાના આક્રમણ બાદ આ પરંપરાગત પરિક્રમા બંધ થઈ ગઈ હતી. લાંબા સમયના અંતરાલ બાદ, પાવાગઢ પરિક્રમા સેવા સમિતિના પ્રયાસોથી લગભગ 10 વર્ષ પૂર્વે આ પરંપરા ફરી શરૂ કરવામાં આવી છે. આજે સવારે 7:00 વાગ્યે પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરે ભવ્ય આરતી બાદ યાત્રીઓએ જય માતાજીના નાદ સાથે પ્રસ્થાન કર્યું હતું.

બે દિવસીય યાત્રાનો રૂટ અને મહત્વ

  • પ્રથમ દિવસ: વાઘેશ્વરી માતાના મંદિરેથી પ્રારંભ કરી યાત્રીઓ મેડી-મદાર ગામે આવેલા સિદ્ધનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ ગીચ જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રાત્રિ વિશ્રામ માટે તાજપુરા સ્થિત નારાયણ બાપુના આશ્રમે પહોંચશે.
  • બીજો દિવસ: 20 ડિસેમ્બરના રોજ યાત્રા ગોપીપુરા થઈ વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાન**ના દર્શન કરશે. ત્યારબાદ ગુપ્તેશ્વર અને ખુણેશ્વર મહાદેવના દર્શન કરી પરત વાઘેશ્વરી મંદિરે પહોંચી પરિક્રમા પૂર્ણ થશે.

શ્રીયંત્ર જેવો આકાર અને પૌરાણિક મહત્વ

પરિક્રમા સમિતિના સંસ્થાપક ડો. પરાગ પંડ્યાના જણાવ્યા અનુસાર, પાવાગઢ વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ છે. એરિયલ વ્યૂ (આકાશી નજારો) થી જોતા પાવાગઢ પર્વતનું સ્વરૂપ પવિત્ર ‘શ્રીયંત્ર’ જેવું દેખાય છે. આ પવિત્ર ધરતીની રક્ષા માટે ચારેય દિશાઓમાં ખુણીયા મહાદેવ, ગળતેશ્વર, સિદ્ધનાથ અને પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેના દર્શનનું આ યાત્રામાં વિશેષ મહત્વ છે.

સેવાભાવી સંસ્થાઓનો સહયોગ

યાત્રીઓની સુવિધા માટે સમગ્ર માર્ગ પર પાણી, નાસ્તો, ભોજન અને મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા પણ જંગલ વિસ્તારમાં યાત્રીઓની સુરક્ષા માટે ખાસ તૈનાતી કરવામાં આવી છે. માગશરની ઠંડી વચ્ચે ભક્તિધૂન અને મંત્રોચ્ચાર સાથે પાવાગઢનો પહાડી પંથક આજે ગુંજી ઉઠ્યો છે.