Panchmahal: મધ્ય ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શુરુ થઈ ગઈ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર જિલ્લાના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા આરંભી દેવાઈ છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિવિધ 100થી વધુ અભ્યાસક્રમોમાં વહેલી તકે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થાય માટે જીસીએએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા
GCAS પોર્ટલ પર યુનિ. સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. જેમાં 7 મેંથી જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોર્ટલ પર 28મી મેં સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવું પડશે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે અંદાજે 286 કોલેજો જોડાયેલી છે. જેમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું પડશે.
એડમિશન વધશે તો બેઠકોમાં વધારો કરાશે
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરી કટારિયાના જણાવ્યા મુજબ, હાલ યુનિ. સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા 7 મેથી જ જીસીએએસ પોર્ટલ પર ચાલુ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ વહેલી તકે 28 મે સુધીમાં ઓનલાઈન ફોર્મ પોર્ટલ પર જઈને ભરી લેવાનું રહેશે. વિદ્યાર્થીઓ પોતાના ગમતા વિષયોમાં પ્રવેશ મેળવે તે હેતુ પૂરતી બેઠકો છે. કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ વગર રહેશે નહીં. જો વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન વધ્યું તો કોલેજોમાં બેઠકો વધારાશે.
વિદ્યાર્થીઓ નજીકની કોલેજોમાં ફોર્મ ભરી શકે
GCAS પોર્ટલ પર AI ચેટબોક્સમાંથી વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજોની માહિતી અને વિષયની જાણકારી વગેરે જાણી શકશે. આ પ્રવેશ પ્રક્રિયામાં જે પણ વિદ્યાર્થીઓને સમજ ન પડે તો તેઓ નજીકની કોલેજોમાં જઈને ફોર્મ ભરાવી શકે છે. તેમજ યુનિ. પર હેલ્પ સેન્ટરમાં જઈને GCASનું મફતમાં ફોર્મ ભરાવી શકે છે. જ્યારે વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે, આ એડમિશન પ્રોસેસ 4 રાઉન્ડમાં થશે. 100થી વધુ સબજેક્ટ્સમાં કુલ 41253 જેટલી બેઠકો છે. જેમાં કોમર્સની 4930 બેઠકો, આર્ટ્સની 23481 બેઠકો અને વિજ્ઞાન પ્રવાહની કુલ 4760 બેઠકો રહેલી છે.
