Panchmahal: પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં આજે દિવસ દરમિયાન સવા 4 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે અહીં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ યાત્રાધામ ખાતે તકેદારીના ભાગરૂપે રોપ વે સેવા બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના પગલે પાવાગઢ ડુંગર ઉપરથી ધોધની માફક પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે.
સતત વરસાદના પગલે પાવાગઢ ડુંગર પર કેટલાક યાત્રાળુઓ અટવાઈ ગયા હતા. હાલ તંત્ર દ્વારા તમામને સલામત સ્થળે લાવવામાં આવ્યા છે. આ સાથે જ પાવાગઢ ડુંગર પર જવા માટે આવતા ભક્તોના વાહનોને પણ હાલ રોકી રાખવામાં આવ્યા છે અને માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.
તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, વરસાદની પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી પાવાગઢ ડુંગર પર વાહન વ્યવહાર અને રોપ વે સેવા બંને બંધ રહેશે તંત્રએ આ નિર્ણય યાત્રાળુઓની સલામતીને પ્રાથમિકતા આપી ને લીધો છે.
છેલ્લા કેટલાક કલાકોથી પાવાગઢ વિસ્તારમાં માવઠા સહિત સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ડુંગર પર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ફિસલાટ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારેથી વધુ પવન સાથેના વરસાદને કારણે અકસ્માતની સંભાવનાઓ વધી જતાં અધિકારીઓએ તાત્કાલિક નિર્ણય લઇને તમામ વાહન વ્યવહાર પર રોક લગાવી છે.
VIDEO: પાવાગઢ ડુંગરના પગથિયાં પરથી ધોધની માફક પાણી વહ્યા, ઉપર ફસાયેલા માઈભક્તોને સલામત નીચે લવાયા pic.twitter.com/2uiFJFP0oe
— Gujarati Jagran (@gujaratijagran) June 24, 2025
ભારે વરસાદના પગલે પાવાગઢ ડુંગર પર કેટલાક યાત્રાળુઓ અટવાઈ ગયા હતા, જોકે તંત્રએ સમયસૂચકતા દાખવીને તમામ યાત્રાળુઓને સલામત રીતે નીચે લાવવા માટે કામગીરી હાથ ધરી તેમને સુરક્ષિત નીચે લાવવામાં આવ્યા હતા. જોકે તંત્ર દ્ધારા સુરક્ષા દૃષ્ટિકોણે ડુંગર પર જવાનો રસ્તો હાલ સંપૂર્ણ બંધ કરી દીધો છે.
યાત્રાધામ પાવાગઢ ખાતે દૈનિક હજારો ભક્તો માતાજીના દર્શન માટે પહોંચતા હોય છે. હાલ ભારે વરસાદ અને પવનને કારણે રોપ વે સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. તંત્રએ જણાવ્યું છે કે વરસાદ સંપૂર્ણ રીતે બંધ ન થાય ત્યાં સુધી રોપ વે સેવા ચાલુ કરવામાં નહિ આવે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. તંત્રએ ભક્તોને પણ અપીલ કરી છે કે હાલ પાવાગઢ તરફ યાત્રા ટાળે.