Panchmahal: જાંબુઘોડાથી ઝંડ હનુમાન રોડ પર જઈ રહેલા ભાનપુરી ગામના અશ્વિનભાઈ બારીયાને અજાણ્યા ઈસમોએં સરનામું પૂછવાના બહાને ઉભા રાખી અપહરણ કરી માર મારી અવાવરું જગ્યાએ ફેંકી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, જાંબુઘોડા તાલુકાના ભાનપુરી ગામે રહેતા અશ્વિનભાઈ ગિરધરભાઈ બારીયા ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પોતાની બાઇક ઉપર તેમના ઓળખીતાને લઈ ઝંડ હનુમાન તરફ જઈ રહ્યા હતા. તેવામાં ઝંડ હનુમાન રોડ ઉપર સાદડા ગામ પાસે ફોરવ્હીલ વાળા અજાણ્યા ઈસમોએ તેઓની બાઈક રોકાવીએ સરનામું પૂછવાના બહાને બાઈક પરથી નીચે ઉતારી અશ્વિનભાઈને ફોરવ્હીલ ગાડીમાં નાખી અપહરણ કરી ગાડીમાં લઇ જઈ માર મારી લોહી લુહાણ કરી નાખ્યા હતા
અપહરણકારોએ અશ્વિનભાઈને છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ પાસે અવાવરૂ જગ્યાએ ગાડીમાંથી ઉતારી ફરી માર મારી લોહી લુહાણ અશ્વિનભાઈનો વીડિયો બનાવ્યો હતો. તેમજ અશ્વિનભાઈનું પાકીટ પૈસા તેમજ મોબાઈલ પણ લઈ લીધો હતો.
જો કે અશ્વિનભાઈનું મોત નીપજ્યું હોવાનું લાગતા અજાણ્યા ઈસમો ફોરવ્હીલ ગાડી લઈ ત્યાથી ભાગી છૂટયા હતા. જો કે અશ્વિનભાઈને ભાન આવતા અવાવરૂ જગ્યાએથી મહા મુસીબતે બહાર રસ્તા ઉપર આવી રસ્તે જતા બાઈક સવારને ઉભો રાખી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી
ઇર્જાગ્રસ્ત અશ્વિનભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે બોડેલીના ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતે જાંબુઘોડા પોલીસને જાણ થતા જાંબુઘોડા પોલીસે તાત્કાલિક તપાસનો દોર ચાલુ કરી બોડેલી તેમજ આસપાસના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
