Panchmahal: પંચમહાલ જિલ્લામાં કાળજું કંપાવી નાંખે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમિકાએ તરછોડી દેતા હતાશ યુવકે નર્મદા નહેરમાં છલાંગ મોતની છલાંગ લગાવી છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા તેના મોબાઈલમાં રડતા-રડતા વીડિયો બનાવીને પોતાની વ્યથા ઠાલવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કાલોલ તાલુકાના અડાદરા ગામે રહેતા ધ્રુમલ પરમાર (24)ને હાલોલના શંકરનગર સોસાયટીમાં રહેતી પ્રીતિ નામની યુવતી સાથે પ્રેમસબંધ હતો. લગ્મ કરવા માટે પ્રેમિકાના પિતાએ શરત રાખતા ધ્રુમલે પોતાનું ઘર છોડીને હાલોલમાં ભાડાનું મકાન રાખી રહેવા લાગ્યો હતો. GFL કંપનીમાં નોકરી કરીને ધ્રુમલ પ્રેમિકાની દરેક ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ કરતો હતો.
જો કે પ્રેમિકાના પરિવારે પોતાની દીકરીના લગ્ન ધ્રુમલ સાથે કરવાની ના પાડી દેતા, તે નાસીપાસ થઈ ગયો હતો. જીવનનો અંત લાવવાનો નિર્ણય લઈ ચૂકેલા ધ્રુમલે હાલોલ-સાવલી રોડ પરથી પસાર થતી નર્મદા નદીમાં પડતું મૂક્યું હતુ. જો કે અંતિમ પગલું ભરતા પહેલા ધ્રુમલે પોતાના મોબાઈલમાં ભાવુંક વીડિયો બનાવ્યા બાદ પોતાના પરિવારના સભ્યોને વોટ્સએપમાં મોકલીને કેનાલમાં જંપલાવ્યું હતું.
અંતિમ વીડિયોમાં ધ્રુમલ ધ્રુસકે-ધ્રુસકે રડતાં પોતાની વ્યથા ઠાલવતા કહી રહ્યો છે કે, પ્રીતિએ મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. મેં પ્રીતિ માટે બધું જ કર્યું. એને ગમે ત્યાં કામ હોય, તો એક ફોનમાં હું પહોંચી જતો હતો. એમના કહેવાથી હું મારું ઘરબાર છોડીને હાલોલ રહેવા આવ્યો, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ ફરી ગયા. હું ઘરબાર વગરનો થઈ ગયો. હવે મારે ક્યાં જવું, તેની ખબર પડતી નથી.
હાલ તો આ સમગ્ર મામલે સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પરિવારજનોના નિવેદનો નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
