Panchmahal News: ઘોઘંબા ખાતે ખેતરમાં ઘાસ કાપી રહેલ મહિલા પર દીપડાનો હિંસક હુમલો, હુમલામાં ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 06 Sep 2023 03:37 PM (IST)Updated: Wed, 06 Sep 2023 03:37 PM (IST)
panchmahal-news-leopard-attack-on-woman-cutting-grass-in-field-at-ghoghamba-injured-woman-under-treatment

Panchmahal News: માનવ વસ્તીનો વધારો થતા અને જંગલોનો નાશ થતા જંગલી ડુક્કર, દીપડા જેવા હિંસક વન્ય પ્રાણી અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડતા હોય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે મકાનની બહાર આવેલ ખેતરમાં ઘાસ કાપી રહેલ મહિલા પર દીપડાએ હિંસક હુમલો કરતા મહિલાએ બુમાબુમ કરતા પરિવારજનો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો. અને દીપડાના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર અર્થે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. દીપડાના હુમલાથી ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીત નગર ગામે પીપળા ફળિયામાં ખેતરમાં મકાન બનાવી રહેતા અમરસિંહ રાઠવાના પત્ની મંગીબેન ગતરોજ સાંજના મકાનની બહાર આવેલ ખેતરમાં ઘાસ કાપી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ખુંખાર દીપડો ધસી આવ્યો હતો અને ઘાસ કાપી રહેલ મંગીબેન ઉપર હિંસક હુમલો કરતા તેમને બૂમાબૂમ કરતા પરિવારજનો અને આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો હતો.

ખુંખાર દીપડાના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં હાલ મહિલા સારવાર હેઠળ છે. જંગલ વિસ્તારમાં રહેતા દીપડા રહેણાંક વિસ્તારમાં આવી હુમલો કરતા ગામ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. ગ્રામજનો દ્વારા રણજીત નગરના એક કોતરમાં દીપડો પોતાના બે બચ્ચા સાથે વસવાટ કરતો હોય વન વિભાગ તે કદાવર દીપડાને પાંજરે પુરવા મારણ સાથે ગામની સીમમાં પાંજરું ગોઠવે તેવી માંગ કરી રહ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.