Panchmahal: યાત્રાધામ પાવાગઢમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ત્રાટકી, 31 પેઢીઓમાં તપાસ; અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરાયો

ચેકિંગ દરમિયાન વિવિધ દુકાનોમાંથી મસાલા, સોસ, પાપડ સહિતની 3,429 રૂપિયાની અખાદ્ય સામગ્રી મળી આવતાં તેને નિયમ મુજબ સ્થળ પર જ નાશ કરવામાં આવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Dec 2025 06:06 PM (IST)Updated: Sat, 13 Dec 2025 06:06 PM (IST)
panchmahal-news-food-and-drugs-department-team-raided-the-pilgrimage-destination-pavagadh
HIGHLIGHTS
  • પાવાગઢ તળેટી તેમજ ડુંગર વિસ્તારમાં ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી દુકાનો અને લારીઓમાં સઘન તપાસ
  • ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત 21 સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

Panchmahal: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ખોરાકની ગુણવત્તા અને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાવાગઢ તળેટી વિસ્તાર તેમજ ડુંગર વિસ્તારમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી દુકાનો અને લારીઓ પર સઘન તપાસ કરી હતી.

આ અભિયાન દરમિયાન કુલ 31 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, એક્સપાયરી તારીખ, લેબલિંગ, સંગ્રહ પદ્ધતિ તેમજ સ્વચ્છતાના ધોરણોનું કડકપણે નિરીક્ષણ કરવામાં આવ્યું. ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 21 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને વધુ પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. નમૂનાઓના રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ચેકિંગ દરમિયાન વિવિધ દુકાનોમાંથી મસાલા, સોસ, પાપડ સહિતની કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ એક્સપાયર થયેલી હોવાનું જણાયું હતું. આ રીતે કુલ રૂપિયા 3,429 કિંમતની અખાદ્ય અને સમયસમાપ્ત ખાદ્ય સામગ્રી મળી આવતાં તેને નિયમ મુજબ સ્થળ પર જ નાશ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી યાત્રિકો અને મુલાકાતીઓના આરોગ્યને નુકસાન પહોંચે તે પહેલાં જ જોખમી ખાદ્ય સામગ્રી દૂર કરવામાં આવી હતી.

અભિયાન દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ખાદ્ય સામગ્રીને યોગ્ય રીતે સંગ્રહ કરવા, સમયમર્યાદા પૂર્ણ થયેલી ચીજવસ્તુઓનું વેચાણ ન કરવા તથા હાઇજીનિક ફૂડ હેન્ડલિંગના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. યાત્રાધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવતા હોવાને કારણે ખાદ્ય સુરક્ષા પ્રત્યે કોઈ પણ બેદરકારી ચલાવી ન લેવાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અભિયાન નિયમિત રીતે હાથ ધરવામાં આવશે, જેથી પાવાગઢ જેવા પવિત્ર યાત્રાધામમાં સ્વચ્છ અને સલામત ખોરાક ઉપલબ્ધ રહે અને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.