Godhra Demolition: ગોધરામાં વિજયાદશમીના દિવસે અસામાજિક તત્વોના 35 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું, જિલ્લા SPની કડક કાર્યવાહીની ચેતવણી

સરકારી જગ્યામાં બાંધવામાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની આ કામગીરીને અસત્ય પર સત્યના વિજયના પર્વ પર કરવામાં આવી હોવાનું એસપીએ જણાવ્યું હતું.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 02 Oct 2025 01:06 PM (IST)Updated: Thu, 02 Oct 2025 01:06 PM (IST)
on-vijayadashami-godhra-bulldozers-razed-35-illegal-structures-district-sp-warned-of-strict-action
HIGHLIGHTS
  • અંદાજે 35 જેટલા કાચા તેમજ પાકા મકાનોને તોડી પાડવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી.
  • અત્યાર સુધીમાં 10થી વધુ પાકા બાંધકામો હતા જેને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં દશેરાના પવિત્ર દિવસે અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિગ્નલ ફળ્યા વિસ્તારની અંદર નાગા તલાવડી વિસ્તારમાં આ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી જગ્યામાં બાંધવામાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની આ કામગીરીને અસત્ય પર સત્યના વિજયના પર્વ પર કરવામાં આવી હોવાનું એસપીએ જણાવ્યું હતું.

આ ડિમોલેશનની કામગીરીમાં સરકારી જગ્યામાં ઊભા કરવામાં આવેલા અંદાજે 35 જેટલા કાચા તેમજ પાકા મકાનોને તોડી પાડવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 10થી વધુ પાકા બાંધકામો હતા જેને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ સંયુક્ત ડિમોલેશનની પ્રક્રિયામાં રેવેન્યુ, પોલીસ, આરોગ્ય, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ અને મધ્ય ગુજરાત વીજ કંપની એમજીવીસીએલ સહિતની ટીમો જોતરાઈ હતી. આખી કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે.

આ કાર્યવાહી ખાસ કરીને અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોના વિરુદ્ધમાં જ કરવામાં આવી રહી છે. આ દબાણો ગોધરા શહેરના સિંગલપડિયા વિસ્તારમાં આવેલી નાગા તલાવડીની સરકારી જમીનની અંદર કરવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં ગોધરાના ભામૈયા ગામમાં આવેલા શિવ મંદિરમાં ચોરી અને તોડફોડ કરનાર આરોપી દ્વારા આજ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરાયા હતા, જેને પણ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ.

પંચમહાલ જિલ્લા પોલીસવાળા દ્વારા આ કાર્યવાહી દ્વારા એક સખત સંદેશ આપવામાં આવ્યો છે. એસપીએ સ્પષ્ટ કર્યું હતું કે અસામાજિક પ્રવૃત્તિ કરનારને સાંખી નહીં લેવામાં આવે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે ભવિષ્યમાં જે પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કોશિશ કરશે અથવા કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું કરવાની પ્રયત્ન કરશે, તો તેને ઘરમાંથી ખેંચી કાઢીને સજા કરાવવા માટે પૂરો પ્રયત્ન કરવામાં આવશે.

વિજયાદશમીના દિવસે પંચમહાલ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા પોલીસવાળાએ સખત મેસેજ આપ્યો છે કે કોઈપણ અસામાજિક તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને તોડી પાડવાની કામગીરી હાલ પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે.