Panchmahal News:રતનમહાલમાં કુદરત છલકાઈ; અભયારણ્યમાં નલધા ધોધ શરૂ થતાં જ સહેલાણીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

રતનમહાલ રીંછ અભયારણ્યમાં ચોમાસાની જમાવટ સાથે જ નલધા ધોધ ફરી જીવંત બન્યો છે, જે કુદરતી સૌંદર્યનું અદભુત ધામ બની ગયું છે. આ નયનરમ્ય દ્રશ્યો માણવા દાહોદ, પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જોકે વન વિભાગે સુરક્ષાના નિયમો પાળવા અપીલ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 17 Aug 2026 08:05 PM (IST)Updated: Mon, 17 Aug 2026 08:05 PM (IST)
nature-bursts-into-life-in-ratan-mahal-naldha-falls-in-the-sanctuary-became-a-center-of-attraction-for-tourists-as-soon-as-it-opened

Panchmahal News:દાહોદ જિલ્લાના લીમખેડા અને ધાનપુર વિસ્તારમાં આવેલું કુદરતી વનરાજીથી સમૃદ્ધ એવું રતનમહાલ રીંછ અભયારણ્ય હાલ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનું અદભુત ધામ બની ગયું છે. ચોમાસાની જમાવટ સાથે જ ઉપરવાસના પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે અભયારણ્યમાં આવેલો પ્રખ્યાત નલધા ધોધ પુનઃ જીવંત થઈ ઊઠ્યો છે. ડુંગરોમાંથી વહેતી નયનરમ્ય અમીધારાએ આ સમગ્ર ક્ષેત્રના કુદરતી સૌંદર્યમાં અનેકગણો વધારો કર્યો છે.

ઊંચા પર્વતોના મુખમાંથી દૂધની ધારાની જેમ વહેતો આ ધોધ અત્યંત નયનરમ્ય અને મનમોહક દ્રશ્યો સર્જી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે રતનમહાલની ટેકરીઓ ગાઢ ધુમ્મસ અને લીલીછમ વનરાજીથી આચ્છાદિત જોવા મળી રહી છે. ચારેય તરફ છવાઈ ગયેલી લીલીછમ હરિયાળીના કારણે આખો વિસ્તાર પ્રકૃતિની ગોદમાં વસેલું સ્વર્ગીય ધામ પ્રતીત થઈ રહ્યો છે.

નલધા ધોધ શરૂ થવાના સમાચાર મળતાં જ દાહોદ, પંચમહાલ, વડોદરા તેમજ આસપાસના અન્ય જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અને પ્રકૃતિપ્રેમીઓ આ અદભુત નજારો માણવા માટે ઉમટી રહ્યા છે. પહાડોની વચ્ચેથી ખાબકતો આ ધોધ પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે આ સીઝનમાં ઉત્તમ સ્થળ સાબિત થઈ રહ્યો છે. પર્વતોની આ મનમોહક સુંદરતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે.

આ એક સુરક્ષિત અભયારણ્ય વિસ્તાર હોવાથી અહીં કુદરતી વાતાવરણની સાથે વિવિધ પ્રકારની સમૃદ્ધ વનસ્પતિ અને વનજીવો પણ જોવા મળે છે. ચોમાસાની આ ઋતુમાં અહીંનું જૈવિક વૈવિધ્ય પણ ખીલી ઉઠે છે. જોકે, પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન પહાડી રસ્તાઓની લપસણી સ્થિતિ અને ધોધના ઊંડા પાણી નજીક સંભવિત અકસ્માત ટાળવા માટે પ્રવાસીઓને વિશેષ સુરક્ષાના નિયમો ચુસ્તપણે પાળવા માટે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

કુદરતી વાતાવરણની વચ્ચે સેલગાહ માણવા માટે રતનમહાલ અભયારણ્ય હાલ ઉત્તમ ડેસ્ટિનેશન બની ગયું છે. સહેલાણીઓમાં આ રમણીય સ્થળની મુલાકાત લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.