Halol Road Accident Today: પંચમહાલ જિલ્લાના હાલોલ બાયપાસ રોડ પર કણજરી ચોકડી નજીક આજે ગુરુવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહિલા શિક્ષક સ્કૂટર પર ખાનગી શાળાએ જઈ રહ્યા હતા તે દરમિયાન કન્ટેનરે અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
શિક્ષિકાનું સ્કૂટરને કન્ટેનરે અડફેટે લીધું
મળતી વિગતો અનુસાર, કણજરી ગામની અક્ષર ગ્રીન સોસાયટી ખાતે રહેતાં અને હાલોલ બાયપાસ રોડ પર આવેલી નાલંદા સ્કૂલમાં ફરજ બજાવતાં નિમિષાબેન નિકુંજકુમાર પટેલ રોજિંદા ક્રમ મુજબ ગુરુવારે સવારે પોતાના સ્કૂટર પર ઘરેથી શાળાએ જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન કણજરી ચોકડી પાસે એક સફારી કંપનીમાંથી માલસામાન ભરીને નીકળેલું કન્ટેનર સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક નિમિષાબેનનું સ્કૂટર કન્ટેનરની ઝપેટમાં આવી ગયું હતું.
ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત નિપજ્યું
દુર્ઘટના બનતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. 108ની ટીમ દ્વારા ગંભીર રીતે ઘવાયેલાં શિક્ષિકાને તાત્કાલિક હાલોલ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. શિક્ષિકાના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ટોળાએ કન્ટેનરના કાચ તોડી વિરોધ નોંધાવ્યો
અકસ્માતને પગલે હાઇવે પર ભારે અફરાતફરી સર્જાઈ હતી અને ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ કન્ટેનરના કાચ તોડીને વિરોધ દર્શાવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને શાંતિ સ્થાપી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. અકસ્માત સર્જાયા બાદ કન્ટેનર ચાલકે વાહન સાઇડમાં ઊભું રાખી સીધો પોલીસ સ્ટેશન પહોંચી આત્મસમર્પણ કર્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી ઘટનાના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
