Gujarat Ropeway Service: ગુજરાત હંમેશાથી દેશ-વિદેશના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યના પવિત્ર પર્વતો પર સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સુધી સરળતાથી પહોંચવા માટે ગત વર્ષે કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે 'ઉડન ખટોલા' એટલે કે રોપ-વે સેવાનો આનંદ માણ્યો છે. યાત્રાળુઓના આગમનના કારણે સ્થાનિક સ્તરે યુવાનો માટે રોજગારીની ઉત્તમ તકો પણ ઉપલબ્ધ થઈ રહી છે.
પાવાગઢમાં સૌથી વધુ ધસારો, અંબાજી બીજા ક્રમે
આંકડાકીય વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લામાં આવેલા શક્તિપીઠ પાવાગઢ ખાતે સૌથી વધુ 23.43 લાખથી વધુ પ્રવાસીઓએ રોપ-વે સેવાનો લાભ લીધો છે. બનાસકાંઠાના અંબાજી ખાતે 15.58 લાખથી વધુ અને જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર રોપ-વેમાં 8.31 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બેઠા છે. ભાઈઓ-બહેનો, વડીલો, બાળકો અને દિવ્યાંગ તમામ યાત્રાળુઓએ આ સુવિધાનો લાભ લીધો.
એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો: ગિરનાર રોપ-વે
ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં આવેલ ગિરનાર રોપ-વે એન્જિનિયરિંગનો એક અસાધારણ પરાક્રમ છે. કુલ 2.12 કિલોમીટર લાંબો આ રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે, જે જમીનથી 3,660 ફૂટની ઊંચાઈએ આવેલા પવિત્ર અંબાજી માતાના મંદિર સાથે જોડે છે. વડાપ્રધાન મોદીએ ઓક્ટોબર 2020માં આ રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગિરનાર પર્વતના પાયાથી 5,000 પગથિયાં ઉપર સ્થિત અંબાજી મંદિર સુધી જવા માટે અગાઉ મુશ્કેલ ચઢાણ ચઢવું પડતું હતું, પરંતુ રોપ-વેની સુવિધાથી આ દ્વિધા દૂર થઈ ગઈ છે. આ રોપ-વેના 31 આધુનિક કેબિન પ્રતિ કલાક 1,000 મુસાફરોનું પરિવહન કરી શકે છે, અને માત્ર 9 મિનિટની આ આકર્ષક રાઈડમાં ભવ્ય ગિરનાર પર્વતના મનોહર દ્રશ્યો જોવા મળે છે.
કુદરતી સૌંદર્ય અને પવિત્ર મંદિરોનો સંગમ
ગિરનાર પર્વતમાળા ગુરુ દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર, ગોરખનાથ મંદિર અને ઐતિહાસિક જૈન મંદિરો જેવા પવિત્ર સ્થાનોનું ધામ છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે પર્વતો વાદળોથી ઘેરાયેલા હોય છે ત્યારે કુદરતી સૌંદર્ય માણવા મુલાકાતીઓ વધુ સંખ્યામાં આવે છે. આ સિવાય નવરાત્રી, જન્માષ્ટમી અને શ્રાવણ માસ દરમિયાન અહીં ભારે ભીડ જોવા મળે છે. સોમનાથ મંદિર અને ગીર સિંહ અભયારણ્યની નિકટતા પણ પ્રવાસીઓ વચ્ચે વધુ લોકપ્રિય છે.
યાત્રાળુઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ
આ ત્રણેય રોપ-વેનું સંચાલન 'ઉષા બ્રેકો લિમિટેડ' દ્વારા ‘ઉડન ખટોલા’ બ્રાન્ડ હેઠળ કરવામાં આવે છે. પ્રવાસીઓની સગવડ માટે સ્ટેશનો પર વેટિંગ હોલ, ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઈડ સર્વિસ, વ્હીલચેર, બોડી મસાજ ચેર, લોકર, પીવાનું પાણી, શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
રોપ-વે કાર્યરત રહેવાનો સમય
ગિરનાર રોપ-વે: સવારે 7:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી
પાવાગઢ રોપ-વે: સવારે 6:00 વાગ્યાથી સાંજે 5:45 વાગ્યા સુધી
અંબાજી રોપ-વે: સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી
વિશેષ ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન બુકિંગ
દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે ટિકિટ દરમાં વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત, દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે ‘શરદ મહોત્સવ’ નામની ખાસ યોજના હેઠળ STEM EXCURSION શૈક્ષણિક પ્રવાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ટિકિટો પર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
રોપ-વેની ટિકિટોનું ઓનલાઈન એડવાન્સ બુકિંગ udankhatola.com વેબસાઈટ પરથી સરળતાથી કરી શકાય છે. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800-202-4050 અથવા ઈમેલ customercare@ushabreco.com પર સંપર્ક કરી શકાય છે.
