GBS Outbreak In Panchmahal: ચાંદીપુરા બાદ પંચમહાલમાં ગુલિયન બારી સિન્ડ્રોમનો કહેર, 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ

પંચમહાલ જિલ્લામાં ગિલિયન-બારી સિન્ડ્રોમના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. નાના બાળકોમાં જોવા મળેલા આ કેસો બાદ ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 22 Aug 2026 12:00 AM (IST)Updated: Sat, 22 Aug 2026 12:00 AM (IST)
guillain-barre-syndrome-gbs-outbreak-in-panchmahal-3-suspected-cases-reported-after-chandipura-virus

GBS Outbreak In Panchmahal: ગુજરાતમાં અગાઉ ચાંદીપુરા વાયરસના હાહાકાર બાદ હવે વધુ એક ગંભીર અને જીવલેણ ગણાતા રોગે ચિંતા વધારી છે. પંચમહાલ જિલ્લામાં 'ગિલિયન-બારી સિન્ડ્રોમ' જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મેરપ ગામમાંથી એક, ગદુકપુર ગામમાંથી એક અને મોરવા હડફ તાલુકાના ચોપડા ગામમાંથી એક એમ કુલ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે, ત્રણેય દર્દીઓ નાની વયના બાળ દર્દીઓ છે. આ તમામ બાળકોની ગંભીર સ્થિતિને જોતા હાલ વડોદરાની હોસ્પિટલમાં વિશેષ સારવાર ચાલી રહી છે.

બાળકોમાં આ શંકાસ્પદ કેસોની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. અસરગ્રસ્ત ત્રણેય ગામોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ શરુ કરવામાં આવ્યું છે.

આ સર્વેલન્સનો મુખ્ય હેતુ અન્ય કોઈ બાળકમાં પણ સમાન લક્ષણો છે કે નહીં તેની સમયસર ઓળખ કરવાનો છે. આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે તે વિસ્તારોમાં દવા છંટકાવ અને સફાઈની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે.

તબીબી નિષ્ણાતોના મતે, GBS એક દુર્લભ ન્યુરોલોજિકલ સ્થિતિ છે જેમાં શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિ ચેતાતંત્ર પર હુમલો કરે છે. આ રોગના કારણે હાથ-પગમાં અચાનક નબળાઈ, ઝણઝણાટી, સંવેદના ગુમાવવી અને ચાલવામાં ગંભીર તકલીફ ઊભી થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ નબળાઈ એટલી ઝડપથી વધે છે કે શ્વાસ લેવામાં મદદ કરતી માંસપેશીઓ પણ પ્રભાવિત થાય છે.

આરોગ્ય વિભાગે નાગરિકો અને ખાસ કરીને વાલીઓને અપીલ કરી છે કે, જો બાળકોમાં અચાનક શારીરિક નબળાઈ, ચાલવામાં અસમર્થતા કે અસામાન્ય ફેરફારો દેખાય, તો તેને સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરવા. તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી આ ગંભીર બીમારી પર કાબૂ મેળવી શકાય છે.