Panchmahal Rain: ગોધરામાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, મેસરી નદી બે કાંઠે વહેતાં કોઝવે બંધ

ભારે વરસાદને કારણે ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદી બંને કાંઠે વહેવા લાગી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 14 Sep 2026 12:17 PM (IST)Updated: Mon, 14 Sep 2026 12:17 PM (IST)
godhra-heavy-rain-three-and-half-inches-two-hours-mesari-river-overflow-causeway-closed
godhra heavy rain file image

Godhra Heavy Rain: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આજે વહેલી સવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકના ટૂંકા સમયગાળામાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે સાડા ત્રણ ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો હતો. અચાનક તૂટી પડેલા વરસાદને કારણે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

સરકારી કચેરીઓ તરફ જતા રસ્તાઓ પર પાણી ભરાયા

ગોધરા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અતિ મહત્વના એવા જિલ્લા કોર્ટ રોડ, તાલુકા સેવા સદન અને જિલ્લા સદન રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. સરકારી કચેરીઓ તરફ જતા તમામ મુખ્ય માર્ગો જળમગ્ન થઈ જતાં સવારના સમયે નોકરી-ધંધે કે કામકાજ અર્થે નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં અનેક વાહનો બંધ પડી જવાના બનાવો પણ બન્યા હતા.

મેસરી નદીમાં પૂર જેવી સ્થિતિ, સુરક્ષા અર્થે કોઝવે બંધ

ઉપરવાસમાં પડેલા મુસળધાર વરસાદને કારણે ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદી બંને કાંઠે વહેવા લાગી હતી. નદીમાં પાણીની આવક વધતાં ગોંદરા અને વ્હોરવાડ વિસ્તારને જોડતા મુખ્ય કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે આ કોઝવે પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો.

પંચમહાલ જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ

ગોધરા શહેર ઉપરાંત પંચમહાલ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વરસાદ નોંધાયો હતો. જેમાં મોરવા હડફમાં 16 મિલીમીટર, શહેરામાં 10 મિલીમીટર, કાલોલમાં 5 મિલીમીટર, હાલોલમાં 4 મિલીમીટર અને ઘોઘંબામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.