Galteshwar River Accident: યાત્રાધામ ગળતેશ્વર ખાતે આવેલી મહીસાગર નદીમાંથી નડિયાદના 30 વર્ષીય યુવક મયંક ડાભીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. ધાર્મિક સ્થળે બનેલી આ કરૂણ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ભારે સંવેદના વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, નડિયાદ તાલુકાના કમળા ગામની ઇન્દિરાનગરી વિસ્તારમાં રહેતો મયંક ડાભી ગુરુવારે રાત્રે પોતાના મિત્રો સાથે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નીકળ્યો હતો.
નદીના ઊંડા પાણીના વહેણમાં ખેંચાતાં સર્જાયી હોનારત
પાવાગઢ દર્શન કરી પરત ફરતા સમયે શુક્રવારે બપોરે તમામ મિત્રો ગળતેશ્વર ખાતે આવેલી નદીમાં સ્નાન કરવા માટે રોકાયા હતા. નદીમાં ન્હાતી વખતે અચાનક મયંક ઊંડા પાણીના વહેણમાં ખેંચાઈ ગયો હતો અને ક્ષણવારમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.
હોમગાર્ડ જવાને સમયસૂચકતા વાપરી મૃતદેહ બહાર કાઢ્યો
બનાવ સમયે નદીના પાણીમાં યુવકનો મૃતદેહ તરતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતાં તેમણે તુરંત જ પોલીસ તંત્રને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી સ્થળ પર તૈનાત હોમગાર્ડના જવાને સમયસૂચકતા વાપરીને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.
ઘટનાસ્થળે આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા જરૂરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી મૃતદેહને સેવાલીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સેવાલીયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
બનાવ અંગેની જાણ થતાં જ સેવાલીયા પોલીસે ઘટનાસ્થળે તથા હોસ્પિટલ પહોંચી આગળની તપાસનો દોર સંભાળ્યો છે. પોલીસે હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ રાખી છે. મૃતક યુવકના પરિવારજનોનો સંપર્ક સાધી તેમને આ બનાવ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકના અકાળે થયેલા અવસાનનું સાચું અને ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સેવાલીયા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ મૃતદેહને વિધિવત રીતે તેના વારસદારોને સોંપવામાં આવશે. આ કરુણ ઘટનાને કારણે યુવકના પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.
