Vav-Tharad Minor Girl Rape: વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકમાંથી શિક્ષણ જગતને કલંક લગાવતી શરમજનક ઘટના બની છે. સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવતા એક 40 વર્ષીય શખ્સ સામે તે જ શાળાની ધોરણ-11માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર આક્ષેપ છે.
શાળાના જ ઓરડામાં દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
ભોગ બનનાર સગીરા વતી દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ગંભીર બનાવ ત્યારે બન્યો જ્યારે સગીરા શાળામાં હાજર હતી. તે સમયે આરોપી શિક્ષકે તેણીને શાળાના જ એક રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ આ નરાધમે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને સગીરાને બહાર જતી અટકાવી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.
જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી
એટલું જ નહીં, સગીરા હવસનો ભોગ બન્યા બાદ આરોપી શિક્ષકે તેને આ સમગ્ર કરતૂત વિશે પરિવાર કે અન્ય કોઈને પણ જાણ ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની વિગતો બહાર આવતા જ વાલીઓ, સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
માવસરી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ
આ ચકચારી મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે માવસરી પોલીસ મથકે આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ વિધિવત ગુનો નોંધીને આગળની સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
