Vav-Tharad Local Elections 2026: વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ- 2026ને લઈને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો પર 75 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 232 બેઠકો માટે વિવિધ પક્ષો અને અપક્ષો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 52 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે, જેમાં સૌથી વધુ 40 ઉમેદવારો અપક્ષ અથવા અન્ય પક્ષના છે. કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે.
વાવ-થરાદ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પર હવે પક્ષવાર હરિફાઈનું ગણિત મંડાયું છે. આ 30 બેઠકો પર કુલ 75 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 30 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેની સામે કોંગ્રેસના 29 અને આમ આદમી પાર્ટીના 12 ઉમેદવારો હરિફાઈમાં છે.
આ ઉપરાંત 4 અપક્ષ ઉમેદવારો પણ જિલ્લા પંચાયતની બેઠકો પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. વાવ બેઠક પર સૌથી વધુ 4 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે, જ્યારે અનેક બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી પ્રક્રિયાના આંકડાકીય વિશ્લેષણ મુજબ, તાલુકા પંચાયતની 150 બેઠકો પરથી 28 ઉમેદવારોએ અને નગરપાલિકાની 52 બેઠકો પરથી 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.
