વાવ-થરાદમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: આખલાને બચાવવા જતાં કાર પલટી; 2નાં કરુણ મોત

વાવ-થરાદમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર આખલાને બચાવવા જતાં કાર પલટી ખાઈ હતી. ગોઝારા અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે મોત, એક વ્યક્તિ ઘાયલ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 11:32 AM (IST)Updated: Sun, 27 Sep 2026 11:32 AM (IST)
vav-tharad-bharatmala-expressway-accident-car-overturns-cattle-2dead

Vav Tharad Accident: વાવ થરાદ જિલ્લા પાસેથી પસાર થતાં ભારતમાલા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે પર પૂરપાટ ઝડપથી આવતી કાર રખડતાં ઢોર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

ઢોરને બચાવવા જતાં કાર પલટી

મળતા અહેવાલ પ્રમાણે, રાત્રિના સમયે હાઈવે પરથી એક કાર પૂરપાટ ઝડપથી આવી રહી હતી. તે દરમિયાન અચાનક જ એક આખલો સામે આવી ચડ્યો હતો. ચાલકે ઢોરને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ઢોર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક ટક્કરના લીધે બે નિર્દોષ લોકોના જીવ ઘટનાસ્થળે જ ગુમાવી દેવાનો વારો આવ્યો હતો.

2 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

ગમખ્વાર ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો . તેમજ બંને મૃતકોની લાશને પીએમ માટે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાલા એક્સપ્રેસ વે પર રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અવાર-નવાર હાઈવે પર ઢોર આડા ઉતરતા જીવલેણ અકસ્માતો સર્જાય છે. આ ઘટના બાદ ફરી એકવાર હાઈવે ઓથોરિટીની બેદરકારી અને રખડતા ઢોરના નિયંત્રણને લઈ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.