Taranga Hill-Ambaji-Abu Road Rail Line: ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ અને પ્રવાસન સ્થળોની મુસાફરી કરતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. અંબાજી શક્તિપીઠ, તારંગા હિલ અને માઉન્ટ આબુ સુધી હવે સીધી રેલ્વે મુસાફરી કરી શકાશે. આ માટે તારંગા હિલ-અંબાજી- આબુરોડ વચ્ચે નવી રેલ્વે લાઈન નાખવાની કામગીરીએ વેગ પકડ્યો છે. પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને બાંધકામ માટેના કોન્ટ્રાક્ટ પણ ફાળવી દેવાયા છે.
અરવલ્લીની પહાડીઓ વચ્ચેથી પસાર થશે ટ્રેન
2022-2023માં મંજૂરી પામેલો પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આકાર પામી રહ્યો છે. આ મહત્વકાંક્ષી રેલ્વે પરિયોજના પાછળ અંદાજે રુ. 3050 કરોડનો ખર્ચ કરવામાં આવશે, અંદાજે 117 કિમી લાંબી રેલ્વે લાઈન પહાડી અને દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી તેમાં એન્જિનિયરિંગની અદ્ભુત કામગીરી જોવા મળશે.
પુલ અને બ્રિજનું નિર્માણ
આ યોજના હેઠળ કુલ 15 નવા રેલ્વે સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત પહાડી વિસ્તાર હોવાથી 11 જેટલી સુરંગ બનાવાશે. તેનજ 250 નાના-મોટા પુલ, 5 રોડ ઓવરબ્રિજ અને 54 રોડ અંડરબ્રિજનું નિરમાણ કરવામાં આવનાર છે, હાલમાં શક્તિપીઠ અંબાજી, જૈન તીર્થસ્થળ તારંગા હિલ અને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ જવા માટે મુસાફરોએ ખાનગી વાહનો કે બસ જેવા અન્ય પરિવહન સાધનો પર નિર્ભર રહેવું પડે છે. આ નવી રેલવે લાઈન શરૂ થતાં મુસાફરોને ઓછા ખર્ચે, ઝડપી અને આરામદાયક રેલવે કનેક્ટિવિટી મળી રહેશે.
સ્થાનિક અર્થતંત્ર અને પ્રવાસનને મળશે બૂસ્ટર ડોઝ
રેલવે કનેક્ટિવિટી વધવાથી માત્ર ધાર્મિક યાત્રાળુઓની અવરજવર જ સરળ નહીં બને, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં સ્થાનિક વેપાર, રોજગાર અને પ્રવાસન ઉદ્યોગને પણ મોટો વેગ મળશે.
