ઇડર-હિંમતનગર હાઇવે પર બેફામ સ્કોર્પિયોએ અંબાજી પદયાત્રીઓને અડફેટે લીધા, 1નું મોત અને 12 ઇજાગ્રસ્ત

સાબરકાંઠાના ઇડર-હિંમતનગર હાઇવે પર વન-વેમાં ઘૂસેલી સ્કોર્પિયો ગાડીએ 12થી વધુ પદયાત્રીઓને અડફેટે લીધા. ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 22 Sep 2026 01:50 AM (IST)Updated: Tue, 22 Sep 2026 01:50 AM (IST)
sabarkantha-scorpio-hits-ambaji-pilgrims-1-dead-12-injured

Sabarkantha Accident: રાજ્યમાં અવારનવાર હિટ એન્ડ રનના બનાવો સામે આવતા રહે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઇડર-હિંમતનગર સ્ટેટ હાઇવે પર દોલગઢ નજીક અંબાજી ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરઝડપે દોડી આવેલી એક બેફામ સ્કોર્પિયો ગાડીએ 12થી વધુ પદયાત્રીઓને જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વન-વે નિયમોના ધજાગરા: ગાડી ક્યાંથી પ્રવેશી? મોટો સવાલ

મહત્વની વાત એ છે કે, અંબાજી કે અન્ય ધાર્મિક સ્થળોએ પદયાત્રીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હાઇવે પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હિંમતનગરથી ખેરોજ સુધીનો આશરે 110 કિલોમીટર જેટલો હાઇવે પદયાત્રીઓની સુરક્ષા માટે 'વન-વે' જાહેર કરવામાં આવ્યો છે. આ વન-વે રૂટ પર માત્ર પદયાત્રીઓ અને નિયંત્રિત વાહનો માટે જ વ્યવસ્થા હોય છે, છતાં આ સ્કોર્પિયો ગાડી આટલા સુરક્ષિત અને વન-વે રૂટ પર કઈ રીતે અને ક્યાંથી પ્રવેશી ગઈ? તે એક મોટો અને ગંભીર સવાલ વહીવટી તંત્ર તેમજ પોલીસ સામે ઊભો થયો છે.

અકસ્માત બાદ ભારે રોષ: રોષે ભરાયેલા ટોળાએ સ્કોર્પિયોને સળગાવી દીધી

ઘટના અંગે પ્રાપ્ત થતી વધારાની વિગતો મુજબ, અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા સ્કોર્પિયો ચાલકને રોષે ભરાયેલા સ્થાનિક લોકો અને પદયાત્રીઓના ટોળાએ ઘેરી લીધો હતો. આ ભયાનક અકસ્માતને કારણે લોકોમાં એટલો બધો આક્રોશ ફેલાયો હતો કે, ઉશ્કેરાયેલા ટોળાએ તે સ્કોર્પિયો કારને સ્થળ પર જ આગ ચાંપી દીધી હતી, જેના કારણે ગાડી ભડભડ સળગીને ખાક થઈ ગઈ હતી. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા હતી કે ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે.

naidunia_image

જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે

ગમખ્વાર અકસ્માત અને ત્યારબાદ સર્જાયેલી તંગ સ્થિતિની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા (SP) સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને સમગ્ર માની ગંભીરતાથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વન-વેના નિયમોના અમલીકરણમાં કોઈ બેદરકારી રહી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

આ ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ શ્રદ્ધાળુઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની કાળજીપૂર્વક સારવાર ચાલી રહી છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્ત પદયાત્રીઓની યાદી

  1. દિલીપકુમાર સજ્જનસિંહ પટેલ (રહે. પંચમહાલ રોડરા)
  2. મહેશભાઈ મગનભાઈ પટેલ (રહે. નાના ચેખલા)
  3. કાર્તિકકુમાર રતિલાલભાઈ સોલંકી (રહે. ઉકેડીના મુવાડા, કપડવંજ)
  4. મોહનભાઈ રમણભાઈ વાઘેલા (રહે. નાના ચેખલા)
  5. ચેતનાબેન મોહનભાઈ વાઘરી (રહે. નાના ચેખલા)
  6. સુનિલભાઈ નગીનભાઈ બારીયા (રહે. કણાજી પાણી, તા. ઝાંબુઘોડા)
  7. વકતુભાઈ ગલબાભાઈ વાઘરી (રહે. નાના ચેખલા)
  8. મુકેશકુમાર નટવરભાઈ પટેલ (રહે. ધાણોતરા, તા. ગોધરા)
  9. રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર (રહે. ધાણોતરા, તા. ગોધરા)
  10. આશાબેન મહેશભાઈ પટેલ (રહે. નાના ચેખલા)
  11. રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા (રહે. નાના ચેખલા)
  12. વિજયભાઈ ધીરુભાઈ પટેલ (રહે. ધાણોતરા, તા. ગોધરા)

આ અકસ્માતને પગલે ઇજાગ્રસ્તોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મા્રે વધુ તપાસ હાથ ધરી છે.