Ambaji Temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે રક્ષાબંધનના પર્વે શ્રદ્ધા અને સમર્પણનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના પ્રતિક સમાન આ તહેવારે કોઈ અજ્ઞાત માઈભક્ત દ્વારા જગતજનની માતા અંબાજીના શ્રીચરણોમાં રુ.24.75 લાખની કિંમતનું સોનું અર્પણ કરીને પોતાની અપાર આસ્થા વ્યક્ત કરી છે.
માતાના ભક્તે લાખોની કિંમતનું સોનું અર્પણ કર્યું
અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સત્તાવાર માહિતી મુજબ, અજ્ઞાત માતાના ભક્તે અંબે માતાને સોનાની બે લગડીઓ અને સોનાના બે ટુકડાઓ દાન કર્યા છે. જેનો સ્વીકાર અંબાજી મંદિર ટેમ્પલ ઈન્સ્પેક્ટરે કર્યો છે. કુલ 167.270 ગ્રામ વજનની અને અંદાજે 24.75 લાખ સોનું માતાને અર્પણ કરીને ભક્તે ધન્યતા અનુભવી હતી.
પ્રસિદ્ધિથી દૂર રહીને ગુપ્તદાનનો સંદેશ
આજના આધુનિક યુગમાં જ્યાં લોકો નાની રકમના દાનમાં પણ નામ અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આ દાનવીર ભક્તે પોતાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખી છે. ભક્તે નિ:સ્વાર્થભાવે સોનું અર્પણ કરીને ગુપ્તદાનનો સાચો મહિમા ચરિતાર્થ કર્યો છે. મંદિર પ્રશાસને પણ ભક્તની અગાધ ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી છે.
અંબાજી માતાના ચરણોમાં અગાઉ ઘણા કરોડપતિ લોકોએ કરોડોનું ગુપ્તદાન કર્યું છે. પોતાની ઓળખાણને જાહેર ન કરીને ગુપ્તદાનનો મહિમા વધાર્યો છે. ત્ચારે અજ્ઞાત માઈભક્તે કરેલા દાનની ચારે કોર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
