ભીલડીમાં ઐતિહાસિક 'ખાટલા સભા': PM મોદી ખેડૂતો સાથે કરશે સીધી વાતચીત, PM-કિસાન યોજનાનો 24મો હપ્તો થશે જમા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ભીલડી ખાતે દેશની પ્રથમ 'ખાટલા સભા'માં ખેડૂતો સાથે સંવાદ કરશે. આ પ્રસંગે PM-KISAN નો 24મો હપ્તા હેઠળ ₹18,680 કરોડ ટ્રાન્સફર થશે અને બનાસ ડેરીના નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 07:41 AM (IST)Updated: Fri, 30 Oct 2026 07:41 AM (IST)
pm-modi-khatla-sabha-bhildi-banaskantha-pm-kisan-24th-installment-banas-dairy-project

PM Modi Khatla Sabha Bhildi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સ્થિત ભીલડી ખાતે એક અનોખા અને ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપશે. પરંપરાગત રાજકીય રેલીઓ અને ખુરશીઓની ગોઠવણથી અલગ, આ કાર્યક્રમમાં દેશની પ્રથમ ‘ખાટલા સભા’નું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો દેશી ખાટલા પર બેસીને વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરશે.

આ રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ દરમિયાન વડાપ્રધાન દેશભરના ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની સાથે બનાસ ડેરીના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરશે.

પીએમ કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો થશે જારી

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત સહાય વિતરણ છે. દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ₹18,680 કરોડથી વધુ રકમ ડીબીટી (DBT) મારફતે સીધી જમા થશે. ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1,000 કરોડથી વધુની આર્થિક સહાય મળશે.

શું છે ‘ખાટલા સભા’નું મહત્વ?

ગ્રામીણ ભારતમાં ખાટલો એ માત્ર બેસવાનું સાધન નથી પરંતુ પરસ્પર ચર્ચા, સંવાદ અને પંચાયતનું પ્રતીક છે. ભીલડીમાં આયોજિત આ કાર્યક્રમમાં વીઆઈપી સંસ્કૃતિને બદલે દેશી ગ્રામીણ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ખુરશીઓની જગ્યાએ ખાટલાની વ્યવસ્થા દ્વારા સરકાર ખેડૂતો સાથે સીધો, સહજ અને આત્મીય નાતો જોડવાનો સંદેશ આપી રહી છે. આ પ્રસંગે ઉત્તર ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ ડેરીના મહત્વકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે,.