LIVE BLOG

PM Modi Gujarat Visit LIVE: પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, બનાસકાંઠામાં રૂ.14,000 કરોડથી વધુના વિકાસ કાર્યો રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી ગુજરાતના બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) રાષ્ટ્રને સમર્પિત કરશે. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. 

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 30 Oct 2026 06:50 AM (IST)Updated: Fri, 30 Oct 2026 07:51 AM (IST)
pm-modi-gujarat-visit-live-development-projects-banas-dairy-banaskantha-ekta-nagar-news-photos-and-videos-lb

PM Modi Gujarat Visit LIVE Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 30 ઓક્ટોબરે સવારે 9.30 વાગ્યે વડાપ્રધાન મોદી બનાસકાંઠા ખાતે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર કેટલ ફાર્મની મુલાકાત લેશે.  સવારે આશરે 10:30 વાગ્યે, તેઓ બનાસકાંઠામાં ₹14,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેઓ પીએમ-કિસાન હેઠળ ₹19,000 કરોડનો 24મો હપ્તો પણ જારી કરશે, બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવશે અને આ પ્રસંગે જનસભાને સંબોધશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી કેવડિયાના એકતા નગર પહોંચશે. સાંજે આશરે 5 વાગ્યે, તેઓ 'ભારત પર્વ 2026' નું ઉદ્ઘાટન કરશે. રાત્રે આશરે 7:45 વાગ્યે, તેઓ 'એકતા પ્રકાશ પર્વ' ના સાક્ષી બનશે, ત્યારબાદ રાત્રે આશરે 8:15 વાગ્યે નર્મદા આરતીમાં ભાગ લેશે.

30 Oct 2026, 06:54 AM

ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી ગુજરાતના બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) રાષ્ટ્રને સમર્પિત કરશે. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. BBBRC ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા 10 થી 20 ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પ્રથમ સુવિધા હશે.

30 Oct 2026, 06:54 AM

બનાસ ડેરીના બે બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જેની ગાયના છાણ પ્રોસેસિંગની ક્ષમતા અનુક્રમે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને પ્રતિદિન 100 મેટ્રિક ટન છે. પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો ફેઝ-2A (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2B (ગિફ્ટ સિટી એક્સટેન્શન) નો શિલાન્યાસ કરશે. ફેઝ-2A કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 5 સ્ટેશનોને આવરી લેતી 6 કિમીથી વધુની લંબાઈ ધરાવશે, જ્યારે ફેઝ-2B ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3 સ્ટેશનોને આવરી લેતી 3.3 કિમીથી વધુની લંબાઈ ધરાવશે.

30 Oct 2026, 06:54 AM

અમદાવાદ-મહેસાણા રોડ અપગ્રેડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી આશરે ₹2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા રોડ (સ્ટેટ હાઇવે-41) ને ચાર લેનમાંથી આઠ લેનમાં અપગ્રેડ કરવા અને મજબૂત કરવા માટેનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનાવશે. પ્રધાનમંત્રી 4,030 નવા બાળ-સહજ આંગણવાડી કેન્દ્રોનો શિલાન્યાસ કરશે અને ગુજરાતમાં પૂર્ણ થયેલા 361 બાળ-સહજ આંગણવાડી કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે. ₹800 કરોડના રોકાણ સાથેની આ પહેલથી 4 લાખથી વધુ લોકોને ફાયદો થશે.

30 Oct 2026, 06:53 AM

એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલા 521 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલા 521 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં આશરે ₹4,950 કરોડનો કુલ પ્રોજેક્ટ ખર્ચ શામેલ છે. આ પ્રોજેક્ટ્સમાં કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ અને કોલ્ડ ચેઇન્સ, વેરહાઉસીસ, સાયલો, પોલીહાઉસીસ અને ગ્રીનહાઉસીસ, સંકલિત પ્રાથમિક અને ગૌણ પ્રોસેસિંગ સુવિધાઓ અને પ્રાથમિક પ્રોસેસિંગ કેન્દ્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી સનાદર ખાતે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણનું ઉદ્ઘાટન કરશે અને પાલનપુર ખાતે અલ્ટ્રા-હાઇ-ટેમ્પરેચર (UHT) પ્રોડક્ટ્સ માટે ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ (ASRS) દેશને સમર્પિત કરશે.

30 Oct 2026, 06:53 AM

અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે

પ્રધાનમંત્રી અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવીને રેલ કનેક્ટિવિટી મજબૂત કરશે. પ્રધાનમંત્રી પીએમ-કિસાનનો 24મો હપ્તો રિલીઝ કરશે, જેની રકમ ₹19,000 કરોડ છે, જે દેશભરના ખેડૂતોને સતત નાણાકીય સહાય પૂરી પાડશે. તેઓ 12 મંજૂર થયેલા હોર્ટીકલ્ચર ક્લસ્ટર્સ હેઠળ જમીન પરની પ્રવૃત્તિઓની શરૂઆત પણ ચિહ્નિત કરશે. આશરે 1.46 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેતા આ ક્લસ્ટરોથી 1.3 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે. ઉત્તર ગુજરાતના બે ક્લસ્ટરો બટાકા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

30 Oct 2026, 06:52 AM

એકતા નગર ખાતે 'ભારત પર્વ 2026' નું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે પ્રધાનમંત્રી એકતા નગર ખાતે 'ભારત પર્વ 2026' નું ઉદ્ઘાટન કરશે. ભારતની સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રીય એકતાની ઉજવણી તરીકે તથા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ભાવનાનું પ્રતિક તરીકે કલ્પના કરવામાં આવેલ આ મહોત્સવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વિશિષ્ટ પરંપરાઓ, લોક પ્રદર્શનો, પ્રાદેશિક વાનગીઓ, હસ્તકળા અને પ્રવાસન આકર્ષણો પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ ઉત્સવથી એકતા નગર અને આસપાસના સ્થળોએ પ્રવાસનને વેગ મળવાની અપેક્ષા છે. તે 15 નવેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.

30 Oct 2026, 06:52 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે એકતાનગર પહોંચશે. અહીં તેઓ નર્મદા ઘાટ ખાતે યોજાતી નર્મદા આરતીમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા  ₹15.10 કરોડના ખર્ચે  શૂલપાણેશ્વર નર્મદા ઘાટને અપગ્રેડ કરવામાં આવ્યો છે. શૂલપાણેશ્વર નર્મદા ઘાટનો વિસ્તાર વધારીને તેની સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી હવે પ્રવાસીઓને આરતી અને ધાર્મિક વિધિઓ માટે તેમજ શ્રદ્ધાળુઓના મેળાવડાઓ આયોજિત કરવા માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટમાં ઘાટનું વિસ્તરણ, સુલભ અવરજવર માટેની સુવિધાઓમાં વધારો, નદીકાંઠાનું સંરક્ષણ તથા લાલ રેતીના પથ્થરો, ભીંતચિત્રો અને શિલ્પો થકી ઘાટના સૌંદર્યીકરણનો સમાવેશ થાય છે.  

30 Oct 2026, 06:52 AM

એકતાનગરમાં ₹400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે

31 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી એકતાનગરમાં ₹400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં સીવેજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેકેડ લાઇટિંગ, નર્મદા ઘાટનું અપગ્રેડેશન, IRCTC હોટેલ, અને એકતા નગર ખાતે રેનફોરેસ્ટ, યુનિટી અને ઇકો ટ્રેલ વગેરેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગોરા-ભાનદ્રા રોડ ડેવલપમેન્ટ; સંકલિત ઝીરો વેસ્ટ સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ; ખાલવાણી ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ; કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન ખાતે સંકલિત વિકાસ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

30 Oct 2026, 06:52 AM

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબર 2026 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. એકતા પરેડ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs), રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓની અનુશાસન, વ્યાવસાયિકતા, સાહસ અને સમર્પણનું પ્રદર્શન કરશે. આ વર્ષની પરેડ ડાબેરી ઉગ્રવાદ સામે લડવામાં સુરક્ષા દળોની સિદ્ધિઓ અને અગાઉ અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ તરફ થયેલા પરિવર્તન પર વિશેષ ભાર મૂકશે.