ભીલડીમાં PM મોદીની અધ્યક્ષતામાં 30 ઓક્ટોબરે યોજાશે પીએમ કિસાન ઉત્સવ દિવસ, ખેડૂતોને મળશે મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીથી 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' દરમિયાન પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો દેશના 9.34 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 11:56 AM (IST)Updated: Thu, 29 Oct 2026 11:56 AM (IST)
pm-modi-gujarat-visit-bhildi-pm-kisan-utsav-divas-24th-installment-30-october

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત પૂર્વે આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચીને વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સર્વાંગી સમીક્ષા કરી હતી. મંત્રી જીતુભાઈ વાઘાણીએ વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને આપી માહિતી

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાના "પીએમ કિસાન ઉત્સવ દિવસ"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનના વરદ હસ્તે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”ના 24મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ 24મા હપ્તા હેઠળ સમગ્ર દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની સહાય મળશે, જે પૈકી એકલા ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1,051 કરોડથી વધુની આર્થિક સહાય પ્રાપ્ત થશે, તેમ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ 1 થી 23 હપ્તાઓ દ્વારા દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 4,47,000 કરોડથી વધુ તથા ગુજરાતના 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 24,137 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી ચૂકી છે.

પીએમ મોદીના હસ્તે લોકાર્પણ સંપન્ન થશે

તેમણે ઉમેર્યું હતું કે, ભીલડી ખાતે આયોજિત આ રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અનેક મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં રૂ. 328.77 કરોડના ખર્ચે તૈયાર 'ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBRC)નું લોકાર્પણ, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા ૨ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન તથા બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT – ASRSનું ઇ-લોકાર્પણ સમાવિષ્ટ છે.

રાષ્ટ્રીય કાર્યક્રમનું રાજ્યભરમાં કરાશે જીવંત પ્રસારણ

આ રાષ્ટ્રીય કાર્યક્રમનું સમગ્ર દેશ તથા ગુજરાતના ખૂણે-ખૂણામાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં 34 જિલ્લા કક્ષાના તેમજ 2,100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે, જેમાં વિવિધ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો દરમિયાન સ્થળ પર જ કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના મંજૂરી પત્રોનું લાભાર્થી ખેડૂતોને વિતરણ કરાશે. મંત્રીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈ-બહેનોને નજીકના કેન્દ્ર કે વેબકાસ્ટ લિંક મારફત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

પીએમ મોદી એકતાનગરની મુલાકાત લેશે

મંત્રી જીતુ વાઘાણીએ એકતાનગર ખાતે યોજાનાર વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમો અંગે વિગતો આપતા કહ્યું કે, તા. 30 ઓક્ટોબરના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટી-એકતાનગર ખાતે 'ભારત પર્વ' પેવેલિયનની મુલાકાત લેશે અને ત્યારબાદ કલ્ચરલ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા પ્રસ્તુત થનાર ભવ્ય નાટક 'આનંદમઠ' નિહાળશે.

રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે તા. 31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે સવારે વડાપ્રધાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ, એકતાનગર ખાતે વિવિધ જનકલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.

એકતાનગર ખાતે સમારોહમાં પીએમ મુખ્ય અતિથિ

આ ઉપરાંત વડાપ્રધાન મોદી સવારે 'આરંભ 2026' કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે તથા બપોરે ટેન્ટ સિટી ખાતે દેશના તાલીમાર્થી અધિકારીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ સાધશે. વધુમાં, સાંજે પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ના મુખ્ય ઉજવણી સમારોહમાં વડાપ્રધાન મુખ્યાતિથિ તરીકે સહભાગી થઈ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.