PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઑક્ટોબર, 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી થરાદ અને રાધનપુર સ્થિત બનાસ ડેરીના બે નવા બાયો-સીએનજી (Bio-CNG) પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. આ બંને પ્લાન્ટ્સમાં સંયુક્ત રીતે પ્રતિદિન 175 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે.
‘બનાસ મૉડલ’: છાણમાંથી સમૃદ્ધિ અને પશુપાલકો માટે પૂરક આવકનો સ્ત્રોત
બનાસકાંઠા જિલ્લાના વ્યાપક ડેરી સહકારી નેટવર્ક હેઠળ પશુપાલકો પાસેથી છાણની ખરીદી કરીને તેમને વધારાની આવક પૂરી પાડવામાં આવે છે. પ્લાન્ટમાં આ છાણના પ્રોસેસિંગ દ્વારા વાહનો માટે ઉપયોગી બાયો-સીએનજી તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, પ્રોસેસિંગ બાદ બાકી રહેતી સ્લરીમાંથી ઘન અને પ્રવાહી સેન્દ્રિય ખાતર તૈયાર કરી ‘ભૂમિ અમૃત’ બ્રાન્ડ હેઠળ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વાહનચાલકો માટે રાહતદરે બાયો-સીએનજીનું વેચાણ
ગોબરમાંથી તૈયાર થતો બાયો-સીએનજી સામાન્ય સીએનજીની સરખામણીએ રાહતદરે પૂરો પાડવામાં આવે છે. બનાસ ડેરી દ્વારા હાલ દરરોજ આશરે 6,100 કિલોગ્રામ બાયો-સીએનજીનું સફળતાપૂર્વક વેચાણ કરવામાં આવી રહ્યું છે.

4 કાર્યરત પ્લાન્ટ્સમાંથી દૈનિક 340 મેટ્રિક ટન છાણનું થઈ રહ્યું છે પ્રોસેસિંગ
બનાસકાંઠામાં અંદાજે 28 લાખ પશુધનમાંથી બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે 24 લાખ પશુઓ છે, જેના દ્વારા દૈનિક 24,000 મેટ્રિક ટન છાણ ઉત્પન્ન થાય છે.
વર્ષ 2020: દામા (ડીસા) ખાતે પ્રથમ 40 MT દૈનિક ક્ષમતાનો પ્લાન્ટ શરૂ કરાયો હતો.
ભાગીદારી પ્રોજેક્ટ્સ: સુઝુકી મોટર કોર્પોરેશન અને NDDB સાથેની ભાગીદારીમાં આગથળા, ભૂખલા અને વીંછીવાડી ખાતે 100 MT ક્ષમતાના ત્રણ પ્લાન્ટ્સ કાર્યરત કરાયા.
વર્તમાન ઉત્પાદન: આ ચાર પ્લાન્ટ્સમાંથી દૈનિક 6,150 કિલો બાયો-સીએનજી, 83 MT ઘન ખાતર અને 260 MT પ્રવાહી સેન્દ્રિય ખાતર બને છે.
નવા પ્લાન્ટ્સ સાથે દૈનિક છાણ પ્રોસેસિંગ ક્ષમતા 515 મેટ્રિક ટને પહોંચશે
થરાદ (75 MT/દિવસ) અને રાધનપુર (100 MT/દિવસ) ખાતેના નવા પ્લાન્ટ્સ કાર્યરત થતાં જ બનાસ ડેરીના કુલ બાયો-સીએનજી પ્લાન્ટની સંખ્યા વધીને 6 થઈ જશે. આ સાથે જ ડેરીની કુલ દૈનિક છાણ પ્રોસેસિંગ ક્ષમતા 515 મેટ્રિક ટન સુધી પહોંચશે.

ગ્રીન એનર્જી તરફ કદમ: વાર્ષિક 34,000 ટનથી વધુ કાર્બન ઉત્સર્જન અટકશે
ખુલ્લા છાણમાંથી ઉત્સર્જિત થતો મિથેન વાયુ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 28 ગણી વધુ ગરમી પેદા કરે છે. બનાસ ડેરીનું આ મોડલ મિથેનને સ્વચ્છ ઇંધણમાં ફેરવી પર્યાવરણનું રક્ષણ કરે છે. અંદાજ મુજબ, આ તમામ 6 બાયો-સીએનજી પ્લાન્ટ્સ વાર્ષિક 33,400 થી 34,600 ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બનશે.
