Palanpur News: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળની બે દિવસ પહેલા રચના કરવામાં આવી છે. જેમાં વાવ બેઠક પરથી જીતેલા સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં તેમના મત વિસ્તારમાં તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જોકે તેઓ જ્યારે ભાભર પહોંચ્યા ત્યારે તેમના ભવ્ય સ્વાગતની સાથે એક રાજકીય ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાભરમાં સ્વરુપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠોકર પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ કોંગ્રેસના સાંસદ છે અને ભાજપના ધારાસભ્યના સ્વાગતમાં હાજર રહેતા રાજકીય ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
ઉત્સાહભેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ સ્વરૂપજી ઠાકોર સૌપ્રથમવાર ભાભર પહોંચ્યા હતા, જ્યાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વિજય સરઘસ અને સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ જ સ્વાગત સમારોહ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સ્વરૂપજી ઠાકોરનું અભિવાદન કર્યું હતું.
ગેનીબેન ઠાકોરના નિવેદનથી ચર્ચા
હસતા હસતા તેમણે કહ્યું કે, "મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે." ગેનીબેનના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે કે આ નિવેદન પાછળ કયો રાજકીય ગર્ભિત અર્થ છુપાયેલો છે. ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા બેઠક પર અગાઉ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતા. તેઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા, વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
સ્વરૂપજી ઠાકોર પેટા ચૂંટણી જીત્યા હતા
આ પેટાચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર મેદાનમાં હતા, જેમણે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવીને ૨૪૪૨ મતોની પાતળી સરસાઈથી વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્વરૂપજી ઠાકોર અગાઉ ૨૦૨૨માં ગેનીબેન ઠાકોર સામે વાવ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ૧૫,૬૦૧ મતોથી હાર્યા હતા. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ૨૦૨૪ની પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે સાંસદ ગેનીબેન ઠાકોરે એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં, સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો અને હવે તેમને રાજ્યકક્ષાના મંત્રી પદનો તાજ પહેરાવવામાં આવ્યો છે.
વાવ-થરાદ જિલ્લાના આ નવા રાજ્યકક્ષાના મંત્રીના સન્માનમાં પાલનપુરના ચડોતર ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં ભવ્ય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વરૂપજી ઠાકોરનું સન્માન કર્યું હતું. આ સિવાય તેમના મતવિસ્તારમાં પણ અનેક સન્માન સમારોહો યોજાયા હતા, જેમાં સ્થાનિક જનતાએ તેમને ભરપૂર આવકાર આપ્યો હતો.