Palanpur News: દિયોદરના મકડાલા ગામના બીએસએફ જવાનનું અમદાવાદમાં ભાઈના ઘરે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. રાહુલ ચૌધરી નામનો જવાન બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવ્યો હતો. અમદાવાદ ભાઈના ઘરે રહેતો હતો ત્યારે તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જવાનને પશ્ચિમ બંગાળમાં પ્રથણ પોસ્ટિંગ માટે જવાનું હતું. જવાનના મોતથી સમગ્ર ગામમાં શોકનુ મોજું ફરી વળ્યું છે.
રાહુલ ચૌધરી એક વર્ષ પહેલા બીએસએફમાં જોડાયા હતા. બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને તેઓ પોતાના વતન મકડાલા આવ્યા હતા. તેમની પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં આવી હતી. ફરજ પર હાજર થવા માટે તેઓ મકડાલાથી અમદાવાદ પોતાના ભાઈના ઘરે આવ્યા હતા અને ત્યાં રોકાયા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને મૃત્યુ થયું હતું.
રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને દિયોદરના મકડાલા ગામે લાવવામાં આવ્યો હતો. મકડાલામાં બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બીએસએફ જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ગામના 19 વર્ષીય યુવક રાહુલ ચૌધરીનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
