Palanpur Bridge Collapses: પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, CMએ આપ્યા તપાસના આદેશ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 23 Oct 2023 07:03 PM (IST)Updated: Mon, 23 Oct 2023 07:03 PM (IST)
palanpur-news-a-portion-of-an-under-construction-bridge-collapses

Palanpur News: પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો હોવાના અહેવાલ છે. બ્રિજનો એક ભાગ તૂટી પડતાં ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી છે. આ દુર્ઘટનામાં એકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં લોકોના ટોળા, પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે.

ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કર્યા છે. આ અધિક્ષક ઇજનેરઓ પાલનપુર જવા રવાના થયા છે અને સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, પાલનપુરમાં આવેલા આરટીઓ સર્કલ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આજે બપોરના સમયે એકાએક નિર્માણાધિન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. બ્રિજનો ભાગ તૂટતા તેની આસપાસથી પસાર થઇ રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવમાં એક ટ્રેક્ટર અને રિક્ષા દટાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

બનાવની જાણ થતાં જ લોકો એકઠાં થઇ ગયા હતા અને બ્રિજનો કાટમાળ દૂર કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટના અંગે પોલીસ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.