Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગઢ પોલીસ લાઇન મિશનમાં 22 વર્ષીય યુવતીના અપહરણ કર્યાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં યુવતીએ રાધનપુર પીએસઆઈ પ્રવીણ નરસાભાઈ મોરી પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. રાધનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રવીણભાઈ નરસાભાઈ મોરી સામે ગઢ પોલીસ સ્ટેશનમાં 22 વર્ષીય યુવતીનું પિસ્તોલની અણીએ અપહરણ કરવાનો પ્રયાસ કરવા અંગે ગુનો નોંધાયો છે.
શું છે સમગ્ર ઘટના?
પીએસઆઈએ યુવતીને ધમકી આપીને ઢસડી હતી. જ્યારે યુવતીની પોલીસ ફરિયાદ બાદ તેને સ્ટેશને લાવવામાં આવ્યો તો તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, ગુરુવારની રાત્રે યુવતીના ભાઈ, ભાભી અને ભત્રીજી ગરબા રમવા માટે ગયા હતા. પરંતુ રાત્રે આશરે 10 વાગ્યે કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો. આથી યુવતીને એમ લાગ્યું કે, તેના ભાઈ ભાભી ઘરે આવી ગયા છે. આથી તેમ સમજીને તેણે દરવાજો ખોલ્યો. પરંતુ દરવાજો ખોલતાં સામે અમીરગઢ તાલુકાના અજાપુરા મોટા ગામના વતની અને રાધનપુરના પીએસઆઈ પ્રવીણ મોરી ઉભા હતા.
યુવતીને હાથ અને પગમાં ઈજા
યુવતીએ ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, પીએસઆઈએ યુવતી ઉપર પિસ્તોલ તાકીને તેની સાથે જવા કહ્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ યુવતીનો હાથ પકડીને કવાર્ટરના પાછળના અંધારા ભાગમાં લઈ જવાનો પ્રયાસ કર્યો. જેથી યુવતીના હાથ અને કોણીના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેમ-તેમ કરીને યુવતી હાથ છોડાવીને પોતાના ક્વાર્ટરમાં ભાગી આવી હતી, પણ આરોપી PSI પણ પાછળથી અંદર ઘૂસી ગયો હતો.
આરોપી પીએસઆઈ પોલીસ સ્ટેશનથી ફરાર
યુવતીની બૂમો સાંભળીને તેનો ભાઈ અને આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. તેમણે આરોપી PSIને સરકારી પિસ્તોલ સાથે પકડી પાડી ગઢ પોલીસ સ્ટેશન સોંપ્યો હતો. જોકે, ત્યારબાદ આરોપી PSI પ્રવીણભાઈ મોરી પોલીસ સ્ટેશનેથી પણ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલમાં ગઢ પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની વધુ તપાસ PI કે.એમ. વસાવાને સોંપી છે.
