PM Modi Gujarat Visit: બનાસ ડેરીને મળશે ત્રણ પ્રોજેક્ટની ભેટ, થરાદ-રાધનપુરમાં બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત

વડાપ્રધાન મોદી 127 એકર વિસ્તારમાં નિર્મિત ભારત બોવાઈન બ્રીડીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) પશુપાલકોને અર્પણ કરશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 29 Oct 2026 03:37 PM (IST)Updated: Thu, 29 Oct 2026 03:37 PM (IST)
narendra-modi-banaskantha-banas-dairy-projects-bbbrc-asrs-french-fries-bio-cng-plant

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026 ના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. 30 ઓક્ટોબરના રોજ PM નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ભીલડીથી ₹407.56 કરોડના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વધુમાં, તેઓ થરાદ અને રાધનપુર સ્થિત બનાસ ડેરીના બે નવા બાયો-સીએનજી (Bio-CNG) પ્લાન્ટ્સનું ઈ-ખાતમુહૂર્ત પણ કરશે.

બનાસ ડેરીના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ

બનાસ ડેરીના પ્રોજેક્ટ્સમાં, ₹324.77 કરોડના ખર્ચે ભીલડીમાં નિર્મિત ભારત બોવાઈન બ્રીડીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC), ₹51.65 કરોડના ખર્ચે વાવ-થરાદ જિલ્લાના સણાદર ખાતે નિર્મિત ફ્રેન્ચ ફ્રાઈસ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ₹31.14 કરોડના ખર્ચે પાલનપુરમાં હાઈ-સ્પીડ, સંપૂર્ણ સ્વયંસંચાલિત અને ટ્રેસેબલ વેરહાઉસિંગ લોજિસ્ટિક્સ દ્વારા UHT દૂધનું કાર્યક્ષમ સંચાલન કરતી 'ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ' (ASRS) સામેલ છે.

ભારત બોવાઈન બ્રીડીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)

બનાસ ડેરીએ બનાસકાંઠાના ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) નું નિર્માણ કર્યું છે, જે પશુ સંવર્ધન માટે સેન્ટર ઓફ એક્સલન્સ (CoE) છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ સેન્ટર માટે ₹38.83 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ડોનર એનિમલ્સ ₹2 કરોડનો સમાવેશ થાય છે. આ સેન્ટરને NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) દ્વારા તકનીકી સહયોગ આપવામાં આવે છે. પ્રોજેક્ટ ભારત સરકારની એનીમલ હસબન્ડ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF) યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે અને NABARD દ્વારા તેને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આનુવંશિક શ્રેષ્ઠતા અને નવીનતાના માધ્યમથી ભારતમાં પશુ સંવર્ધન ક્ષેત્રે પરિવર્તન લાવવાનો છે.

naidunia_image

ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઈવલ સિસ્ટમ (ASRS)

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બનાસ ડેરીએ ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઈવલ સિસ્ટમ (ASRS) તરીકે ઓળખાતી સંગ્રહ પ્રણાલીનું નિર્માણ કર્યું છે. UHT ઉત્પાદનોને સંગ્રહિત કરવા અને મોકલવા માટે એક સંપૂર્ણપણે સ્વચાલિત વ્યવસ્થા છે. દૂધના ઉત્પાદનોને અહીં રાખવા માટે 9 માળ સુધી સ્ટીલ રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 11 હજાર પેલેટ સંગ્રહ કરવાની ક્ષમતા છે. આ સુવિધાને બનાસ ડેરી દ્વારા ઈન-હાઉસ વિકસિત કરવામાં આવી છે, જેનાથી ખર્ચની બચત થઈ છે અને વધારાની આવક ડેરી સાથે સંકળાયેલા 4.18 લાખ દૂધ ઉત્પાદકોને મળે છે. અન્ય ડેરી ઉત્પાદનોના સંગ્રહ માટે પણ આ મોડેલનો ઉપયોગ કરી શકાય છે.

naidunia_image

સણાદરમાં ફ્રેન્ચ ફ્રાઈસ પ્રોસેસિંગ પ્લાન્ટ

બનાસ ડેરીએ વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં સ્થિત સણાદર ખાતે ₹51.65 કરોડના ખર્ચે ફ્રેન્ચ ફ્રાઈસ પ્રોસેસિંગ પ્લાન્ટ વિકસિત કર્યો છે. સણાદર પ્લાન્ટ ખાતે ફ્રેન્ચ ફ્રાઈઝની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન કરવાની કામગીરી એપ્રિલ 2026 માં શરૂ કરવામાં આવી હતી. આજે બનાસ ડેરીએ એક એવી સંપૂર્ણ સંકલિત ઉત્પાદન શ્રૃંખલા ઊભી કરી છે, જેમાં ટેસ્ટ ટ્યુબમાં તૈયાર થતા નાના છોડથી લઈને ખેતરમાં ઉગાડવામાં આવતા બિયારણ, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત બટાકા અને ગ્રાહક સુધી પહોંચતા ફ્રેન્ચ ફ્રાઈઝનો સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં હાલમાં આવી સંપૂર્ણ સંકલિત વ્યવસ્થા અન્ય કોઈ સહકારી સંસ્થા કે એજન્સી પાસે ઉપલબ્ધ નથી.

naidunia_image

થરાદ-રાધનપુરમાં નવા બાયો-CNG પ્લાન્ટ

બનાસ ડેરી લાંબા સમયથી ખેતરનો કચરો ગણાતા પશુઓના છાણનું પ્રોસેસિંગ કરીને તેમાંથી વાહનો માટે બળતણ (બાયો-CNG) અને સેન્દ્રીય ખાતર બનાવવાનું કાર્ય કરી રહી છે, અને તેનાથી પશુપાલકોને નિયમિત આવક પણ થઈ રહી છે. છાણનું પ્રોસેસિંગ કરીને તેમાંથી બાયો-સીએનજી અને સેન્દ્રિય ખાતર બનાવવા માટે બનાસ ડેરીના ચાર પ્લાન્ટ્સ પહેલેથી જ કાર્યરત છે અને તેમાં હવે બે નવા પ્લાન્ટનો ઉમેરો કરવામાં આવશે.

થરાદ ખાતે 75 મેટ્રિક ટન છાણ અને રાધનપુર ખાતે 100 મેટ્રિક ટન છાણની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતા બે નવા પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. બંને નવા પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા આગામી 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડી ખાતેથી કરવામાં આવશે. આ પ્લાન્ટથી ઉર્જા અને સેન્દ્રીય ખાતરના ઉત્પાદનને વેગ મળવાની સાથે પશુપાલકોને વધારાની આવક પણ પ્રાપ્ત થશે.

naidunia_image

ખેડૂતો ટેકનોલોજી અપનાવી આજીવિકા મેળવશે

સમગ્ર બનાસકાંઠામાં આકાર પામી રહેલા આ તમામ નવતર પ્રોજેક્ટ્સ સાબિત કરે છે કે આધુનિક ખેતી અને પશુપાલનનો અર્થ માત્ર પશુધનની સંખ્યા વધારવી એવો નથી, પરંતુ સ્માર્ટ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે કામ કરવાનો છે. એકંદરે, આ પ્રોજેક્ટ દર્શાવે છે કે આપણા ખેડૂતો આધુનિક ટેક્નોલોજી અપનાવીને, પર્યાવરણનું જતન કરીને અને સહકારી મૂલ્યોને અકબંધ રાખીને ગૌરવપૂર્ણ આજીવિકા સુનિશ્ચિત કરી શકે છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. વધુમાં, ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ અને કમલેશ પટેલ, તેમજ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર સહિત સંસદસભ્યઓ, ધારાસભ્યઓ તેમજ અધિકારીઓ-પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ડેરી સહકારી ક્ષેત્રમાંથી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન ડૉ. મિનેશ શાહ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાતના સાથી દૂધ સંઘોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકો પણ ભાગ લેશે.