અંબાજી મંદિર પર મહત્તમ 5 મીટરની ધજા જ ચડાવાશે, શા માટે લેવાયો મોટો નિર્ણય?

અંબાજી મંદિરમાં 5 મીટરની ધજા આરોહણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આગામી 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 30 Dec 2025 10:48 AM (IST)Updated: Tue 30 Dec 2025 10:48 AM (IST)
maximum-5-meters-flag-will-be-allowed-to-be-hoisted-on-ambaji-temple-main-peak-from-january-1st-664529
HIGHLIGHTS
  • અંબાજી મંદિર પર મહત્તમ 5 મીટરની ધજા જ ચડાવાશે
  • યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે લેવાયો નિર્ણય
  • આગામી 1 જાન્યુઆરીથી નવા નિયમની થશે અમલવારી

Ambaji Temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રિકો દ્વારા વિવિધ કદ અને પ્રકારની ધજા મંદિરના મુખ્ય શિખર પર આરોહણ કરવામાં આવે છે. જોકે, હવે કોઈપણ શ્રદ્ધાળુ મહત્તમ 5 મીટરની ધજા જ અંબાજી મંદિર પર ચડાવી શકશે. આ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજા ચઢાવાશે

અંબાજી યાત્રાધામ ખાતે યાત્રિકોની સલામતી, સુરક્ષા તેમજ ધાર્મિક માન્યતાઓને અનુલક્ષીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકનીકલ સર્વેક્ષણ તથા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનના આધારે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર હવે વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજા આરોહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 1 જાન્યુઆરી, 2026 થી નવા નિયમો અમલમાં આવશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

નોંધનીય છે કે, અંબાજી મંદિરના મુખ્ય શિખર ધ્વજદંડને અંદાજે 15 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. એક અંદાજ મુજબ અહીં દૈનિક 50 થી 60 તથા રજા અને તહેવારોના દિવસે મોટી સંખ્યામાં અલગ-અલગ કદની ધજાઓ ચડાવવામાં આવે છે. હાલમાં ધ્વજદંડની ટેકનિકલ ચકાસણી તેમજ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ આપવામાં આવેલ અભિપ્રાય અનુસાર ધ્વજદંડને નુકસાન પહોંચવાની અને દુર્ઘટના સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુવર્ણ શિખરના કવચને પણ થયો ઘસારો  

લાંબી ધજાના કારણે સુવર્ણમય શિખરના કવચને ઘસારો થતો હોવાની પણ નોંધ લેવામાં આવી છે. ઉપરાંત, કેટલીક વખત 52 ગજ અથવા તેનાથી વધુ લંબાઈની ધજા અર્પણ કરવામાં આવતા, ધજા જમીનને અડવાથી યાત્રિકોના પગમાં આવતી હોવાથી અન્ય યાત્રિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી હોવાની સ્થિતિ સર્જાય છે.

યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે લેવાયો નિર્ણય

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, વહીવટદાર, ધાર્મિક વિદ્વાનો, અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તથા ધ્વજદંડના ટેકનીકલ કન્સલટન્ટ દ્વારા વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. જેના અંતે ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ તેમજ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લેવાયો છે. 

યાત્રિકો દ્વારા જો 5 મીટરથી વધુ લંબાઈની ધજા લાવવામાં આવે તો હાલ પૂરતી વ્યવસ્થા તરીકે તે ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. પરંતુ મંદિરના મુખ્ય શિખર ઉપર તેનું આરોહણ કરવામાં આવશે નહીં. આગામી 1 જાન્યુઆરીથી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ 5 મીટરની જ ધજા આરોહણ કરી શકાશે.