Vav Tharad News: વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે આજરોજ વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે,'વિકાસ કાર્યો થકી ગ્રામ્ય જીવન ધોરણમાં સુધારો આવશે અને યુવાનોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થશે.'
રૂ. 54.12 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ-થરાદ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ રૂ. 54.12 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.
ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા સુલભ બનશે
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે મોરીલા ગામે ગોગા મહારાજના મંદિર પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર, ગોળીયા પ્રાથમિક શાળામાં પ્રાર્થના શેડ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના મોરીલા- ખોરડા રોડ, આરોગ્ય વિભાગ હેઠળના જાણદી તથા ડોડગામ ગામે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને અસરકારક બનશે.

મીઠા-થરાદ-ડીસા રોડનું વાઈડનીંગ તથા સ્ટ્રેન્ધનીંગ કરાશે
શંકર ચૌધરીના હસ્તે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા મીઠા-થરાદ-ડીસા રોડના વાઈડનીંગ તથા સ્ટ્રેન્ધનીંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે જિલ્લાની માર્ગ સુવિધાઓને વધુ સુરક્ષિત, મજબૂત અને ઝડપી બનાવશે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકના પીલુડા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું તેમજ પીલુડા ગામે શિવ મંદિર સ્થિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન મળશે.

શંકર ચૌધરીએ ગ્રામજનો સાથે કર્યો સંવાદ
આ તકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવ- થરાદ જિલ્લો આવનાર સમયમાં રાજ્યના અગ્રીમ જિલ્લામાં સ્થાન પામે તે દિશામાં સરકાર દ્વારા દ્રઢ સંકલ્પ સાથે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. સરહદી વિસ્તારમાં વસતા લોકો સુધી વિકાસના લાભ પહોંચે તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
શંકર ચૌધરીએ જણાવ્યું કે, સારા રસ્તા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુલભ આરોગ્ય સેવાથી ગ્રામ્ય જીવન ધોરણમાં સુધારો આવશે અને યુવાનોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થશે. સરકારના માર્ગદર્શન અને લોક સહયોગથી વાવ- થરાદ જિલ્લાને વિકાસનું મોડેલ જિલ્લા તરીકે વિકસાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
