સુઈગામ ત્રણ રસ્તા પાસે 'ગુજ્જુ લવગુરુ' ની પ્રતિમા સ્થાપિત કરવા માંગ: ચાહકો અને ગ્રામજનોએ કરી વિશેષ રજૂઆત

યુવાનો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે ક્રેઝ ધરાવતા આ કલાકારની યાદમાં વહીવટી તંત્ર દ્વારા સર્કલ અને પ્રતિમા માટે મંજૂરી આપવામાં આવે તેવી ચાહકો અને ગ્રામજનો આશા સેવી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 25 Sep 2026 11:29 AM (IST)Updated: Fri, 25 Sep 2026 11:29 AM (IST)
gujju-love-guru-chandan-rathod-statue-circle-demand-suigam
ગુજ્જુ લવગુરુ

Gujju Love Guru Statue Demand Suigam: વાવ-થરાદના સુઈગામના વતની અને સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવગુરુ' તરીકે ભારે ખ્યાતિ મેળવનાર કલાકાર સ્વ. ચંદન રાઠોડના અકાળે થયેલા માર્ગ અકસ્માત બાદ તેમની યાદોને ચિરંજીવ રાખવા માટે ચાહકો અને ગ્રામજનો દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. સુઈગામના મુખ્ય ત્રણ રસ્તા (હાઈવે સર્કલ) પાસે ચંદન રાઠોડના નામનું સર્કલ બનાવી ત્યાં તેમની પૂર્ણકદની પ્રતિમા મૂકવામાં આવે તેવી જોરદાર માંગણી ઊઠી છે.

નડાબેટ સીમાદર્શન માર્ગ પર સર્કલ બનાવવાનો પ્રસ્તાવ

સ્થાનિક ચાહકો કરણભાઈ અને પ્રવીણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ચંદન રાઠોડે પોતાની આગવી દેશી કોમેડીથી માત્ર સુઈગામ કે બનાસકાંઠાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું. સુઈગામ એ આંતરરાષ્ટ્રીય સરહદી પ્રવાસન સ્થળ 'નડાબેટ સીમાદર્શન' જવાનો મુખ્ય માર્ગ છે. તેથી અહીંથી પસાર થતા હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ચંદન રાઠોડના ગામ તેમજ તેમની પ્રતિમાથી પરિચિત થઈ શકે તે હેતુથી હાઈવે પર જ આ સ્મારક સર્કલ બનાવવું જરૂરી છે.

તંત્ર સમક્ષ લેખિત રજૂઆતની તૈયારીઓ

મૃતક ચંદન રાઠોડના ભાઈ મહેશભાઈ રાઠોડે જણાવ્યું કે, આ પ્રસ્તાવ અંગે સુઈગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોને સાથે રાખીને જિલ્લા કલેક્ટર કચેરી તેમજ રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને ટૂંક સમયમાં જ લેખિત રજૂઆત કરવામાં આવશે.

યુવાનો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે ક્રેઝ ધરાવતા આ કલાકારની યાદમાં વહીવટી તંત્ર દ્વારા સર્કલ અને પ્રતિમા માટે મંજૂરી આપવામાં આવે તેવી ચાહકો અને ગ્રામજનો આશા સેવી રહ્યા છે.