Donation to Chandan Rathod Family: ગુજરાતના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પરિવાર પર આવી પડેલા દુઃખદ સમયમાં લોકસેવકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે રાઠોડ પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ ઉપાડી હતી. આ ઝુંબેશ અંતર્ગત ઓનલાઈન રૂ. 2.96 કરોડ અને રોકડ રૂપે રૂ. 53 લાખ મળીને કુલ રૂ. 3.50 કરોડથી વધુની સહાય એકત્ર થઈ છે.
₹2 કરોડનો લક્ષ્યાંક, દાતાઓએ ₹3.60 કરોડ આપ્યા
આ પણ વાંચો
ચંદન રાઠોડના પરિવારની અત્યંત દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને સેવાભાવી અગ્રણીઓ દ્વારા રૂ. 2 કરોડની આર્થિક સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત તેમજ દેશ-વિદેશમાં વસતા ચાહકો અને દાતાઓએ મુક્ત મને દાન આપતા આ આંકડો અંદાજે રૂ. 3.60 કરોડને વટાવી ગયો છે.
આજે પણ લોકો તરફથી મદદનો પ્રવાહ સતત ચાલુ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાર રીતે સહાય સ્વીકારવાનું હવે પૂર્ણ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદન રાઠોડે વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં આગવી દેશી કોમેડીથી કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું.
પત્ની, બાળકો અને બહેનો વચ્ચે સહાયની ફાળવણી
ચંદનના અકાળે અવસાન બાદ પરિવારમાં તેના વૃદ્ધ પિતા, માતા, પત્ની અને બે માસૂમ બાળકો નિરાધાર બન્યા છે. પરંપરાગત સમાજમાં એકલી પડેલી પત્ની પર બે બાળકોના લાલનપાલનની સંપૂર્ણ જવાબદારી આવી પડી છે. પરિવારના સુરક્ષિત ભવિષ્ય માટે એકઠા થયેલા ભંડોળમાંથી તમામને અલગ-અલગ રૂપિયા આપવામાં આવ્યા:
પત્ની અને બાળકો: ચંદનની પત્નીને 41 લાખની FD અને બંને બાળકોના નામે રૂ. 41-41 લાખની ફિક્સ ડિપોઝીટ (FD) કરવામાં આવશે, જેથી તેઓ આજીવન આર્થિક રીતે સુરક્ષિત રહી શકે. વધુમાં, બાળકોના નામે રૂ. 53 લાખની કિંમતની જમીન ખરીદવામાં આવશે.
ત્રણ બહેનોને મદદ: ચંદન રાઠોડની ત્રણ બહેનો પણ ખૂબ જ સામાન્ય અને ગરીબ પરિસ્થિતિમાં છે. બહેનોએ પોતાનોવ્હાલસોયો ભાઈ ગુમાવ્યો હોવાથી તેમને ક્યારેય મામેરા કે રક્ષાબંધને ભાઈની ખોટ ન સાલે તે માટે રૂ. 11-11 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં ચંદનના ઉદાર પિતાએ પણ દીકરીઓને યોગ્ય ભાગ મળે તે માટે મોટું મન રાખ્યું છે.
ભાઈને 1 કરોડ રૂપિયા: ચંદન રાઠોડના નાના ભાઈને પરેશને પણ 1 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો છે.
નકલી QR કોડ અને ગેરરીતિ અટકાવવા વ્યવસ્થા
સહાય ઝુંબેશની સફળતા સાથે કેટલાક અસામાજિક તત્ત્વો અને ઠગબાજો દ્વારા સોશિયલ મીડિયા પર ફેક UPI આઈડી અને નકલી QR કોડ બનાવીને ઉઘરાણું કરવામાં આવતું હોવાની બાબત સામે આવી હતી.
આથી લોકો ગેરમાર્ગે ન દોરાય અને છેતરાય નહીં તે હેતુસર તમામ લિંક્સ અને ખાતાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે કે હવે ચંદન રાઠોડના નામે કોઈએ એક પણ રૂપિયો આપવો નહીં.
અન્ય જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા અપીલ
ચંદન રાઠોડના પરિવારની જરૂરિયાત કરતાં પણ વધુ સહાય એકત્ર થઈ ચૂકી હોવાથી, હવે ચાહકોને સમાજના અન્ય ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને ટેકો આપવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા કે ગુજરાતના અન્ય કોઈ જરૂરિયાતમંદ દર્દી કે અકસ્માત પીડિત પરિવાર હોય તેમને સહાય પહોંચાડવામાં આવે તો જ માનવતા સાચા અર્થમાં સાર્થક થશે તેવો સંદેશ આપવામાં આવ્યો છે.
