ગુજરાત સરકારનો મોટો નિર્ણય: નડાબેટની 53 હેક્ટર જમીન BSF માટે 'બોરીયાબેટ ફિલ્ડ ફાયરીંગ રેન્જ' જાહેર કરાઈ

ગુજરાત સરકારે વાવ-થરાદ જિલ્લાના નડાબેટ ખાતે 53 હેક્ટર જમીનને BSF માટે 10 વર્ષ માટે 'બોરીયાબેટ ફિલ્ડ ફાયરીંગ રેન્જ' તરીકે જાહેર કરી છે. આ નિર્ણય BSF જવાનોની યુદ્ધક્ષમતા અને શસ્ત્ર તાલીમને વધુ સુદૃઢ બનાવવા માટે ગૃહ વિભાગ દ્વારા લેવાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 23 Oct 2026 09:33 AM (IST)Updated: Fri, 23 Oct 2026 09:33 AM (IST)
gujarat-declares-nadabet-bsf-field-firing-range-for-10-years

BSF Field Firing Range Nadabet:ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સરહદી વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકા સ્થિત મોજે નડાબેટ ખાતે આવેલી સરકારી જમીનને સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા જીવંત દારૂગોળા સાથે તાલીમી ફાયરીંગ અને આર્ટિલરી પ્રેક્ટિસ હાથ ધરવા માટે 'બોરીયાબેટ ફિલ્ડ ફાયરીંગ રેન્જ' તરીકે આગામી 10 વર્ષના સમયગાળા માટે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

ગૃહ વિભાગે જારી કર્યું જાહેરનામું

સરહદી વિસ્તારમાં દેશની સુરક્ષા કાજે તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોની નિયમિત યુદ્ધક્ષમતા, શસ્ત્ર તાલીમ અને સૈન્ય સજ્જતા વધુ સુદ્રઢ બને તે હેતુથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજય સરકારના ગૃહ વિભાગે આ જાહેરનામું ફિલ્ડ ફાયરીંગ એન્ડ આર્ટિલરી પ્રેક્ટિસ એક્ટ, 1928 હેઠળ જાહેર કર્યું છે.

આ જાહેરનામા અનુસાર સુઈગામ તાલુકાના નડાબેટ ગામના સર્વે/બ્લોક નંબર 12-બ હેઠળ સમાવિષ્ટ અંદાજે 53 હેક્ટરમાં 88 ચોરસ મીટર જેટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી જમીન પર બી.એસ.એફ.ને જીવંત દારૂગોળા સાથે ફાયરીંગ અને આર્ટિલરી કવાયત કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

નડાબેટ ખાતે ફિલ્ડ ફાયરીંગ રેન્જ

વાવ - થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી વિસ્તારના પશુપાલકો, ખેડૂતો તેમજ સામાન્ય જનતા આ ફિલ્ડ ફાયરીંગ રેન્જ અને સંબંધિત ગતિવિધિઓથી માહિતગાર રહે અને સુરક્ષા સંબંધી તકેદારી જળવાઈ રહે તે માટે જાણ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, આ ફિલ્ડ ફાયરીંગ રેન્જ સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયા તારીખથી 10 વર્ષ સુધી અમલમાં રહેશે.