Deesa Food Raid: ડીસા શહેરમાં નાગરિકો અને ખાસ કરીને માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પાલનપુર વર્તુળ કચેરીની ટીમે ડીસા ખાતે ઓચિંતી તપાસ હાથ ધરીને હાનિકારક પદાર્થોથી બનતી ખાદ્યચીજોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રકાશ ગૃહ ઉદ્યોગ પર કાર્યવાહી
ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એલ. ગુર્જર દ્વારા ડીસાના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં, પાણીની ટાંકી સામે આવેલી ‘મે. પ્રકાશ ગૃહ ઉદ્યોગ’ નામની પેઢી પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે આ પેઢી પાસે ખાદ્યચીજોના ઉત્પાદન અને વેચાણ માટેનો જરૂરી પરવાનો (License) પણ નહોતો. છતાં અહીં ગેરકાયદેસર રીતે કોર્ન પફ, કોર્ન બોલ, મિક્સ મસાલા અને કલરનો જથ્થો મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવતો હતો.
લેબોરેટરી રિપોર્ટમાં થયો મોટો ખુલાસો: નોન-પરમિટેડ કલરની હાજરી
સ્થળ પરથી શંકાસ્પદ જણાતા કોર્ન પફ, કોર્ન બોલ, મિક્સ મસાલા અને કલરના નમૂનાઓ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ પૃથક્કરણ અર્થે લેવામાં આવ્યા હતા. આ સાથે જ બાકીનો કુલ 301 કિલોગ્રામ જેટલો, અંદાજે રૂ. 37,008ની કિંમતનો હાનિકારક જથ્થો તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવ્યો હતો.
તપાસ માટે આ નમૂનાઓ વડોદરા સ્થિત ફૂડ એનાલિસ્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવતા જ ભયજનક હકીકત સામે આવી કે, કોર્ન પફ અને કોર્ન બોલ બનાવવામાં એવા કલરનો ઉપયોગ થતો હતો જે ખાદ્યપદાર્થોમાં વાપરવા માટે બિલકુલ મંજૂર નથી (Non-Permitted Color). જેના કારણે આ તમામ નમૂનાઓ 'અનસેફ' (અસુરક્ષિત) અને 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવ્યા છે.
બાળકોને આકર્ષવા માટે કાર્ટૂન કેરેક્ટરનો થતો હતો દુરુપયોગ
આ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બાળકો આકર્ષાઈને આ નુકસાનકારક નાસ્તા ખરીદે તે માટે પેઢી દ્વારા ‘થ્રી ઇડિયટ્સ’ જેવા લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટરના નામોનો ઉપયોગ કરીને રેપિંગ અને વેચાણ કરવામાં આવતું હતું. માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધો ખિલવાડ કરવાની આ મોડસ ઓપરેન્ડી જોઈને તંત્ર પણ ચોંકી ગયું હતું.
વાલીઓ માટે વિશેષ ચેતવણી અને અપીલ
આ સમગ્ર પ્રકરણે જવાબદાર પેઢી સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત કાયદેસરની સખત કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ વાલીઓ અને નાગરિકોને ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે કે-
- બાળકો માટે બજારમાં મળતા આકર્ષક કાર્ટૂન રેપર કે વધુ પડતા બ્રાઇટ કલરવાળા ખુલ્લા તથા અનધિકૃત નાસ્તા ખરીદવાનું ટાળો.
- કોઈપણ ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ, લેબલિંગ અને માન્ય પરવાનો (License) ચકાસીને જ ભરોસાપાત્ર જગ્યાએથી ખરીદી કરો, જેથી તમારા બાળકોનું આરોગ્ય સુરક્ષિત રહી શકે.
