Diyodar News: દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માંગણી સાથે ઓગડ જિલ્લા સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાની માંગ સાથે જિલ્લાનો નકશો તૈયાર કરીને સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. આ અંગેનો નિર્ણય નહીં લેવામાં આવે તો સરકારને આકરા પરિણામો ભોગવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
દિયોદરમાં નારાજગી જોવા મળી
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ કરતા દિયોદર પંથકમાં નારાજગી જોવા મળી રહી છે. દિયોદર તાલુકો જિલ્લામાં મધ્યમાં આવતો હોવા છતાં સરકાર દ્વારા દિયોદરની અવગણના કરીને વાવ-થરાદ જિલ્લો જાહેર કરતા દિયોદર તાલુકાના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ઓગડને જિલ્લો જાહેર કરવા માગ
બીજી જાન્યુઆરીએ રોષ વ્યક્ત કરીને સંપૂર્ણ દિયોદર બજાર બંધ રાખવામાં આવી હતી. પાંચ જાન્યુઆરીના રોજ દિયોદર આઝાદ ચોક ખાતે આગેવાનો ભાજપ કોંગ્રેસ એક સાથે એક મંચ પર બેસી ઓગડ જિલ્લો જાહેર કરી દિયોદર તાલુકા મથક મુખ્ય મથક તરીકે આપવા માંગણી કરી હતી. આંદોલનના ભાગરૂપે મંગળવારે દિયોદર રેફરલ હોસ્પિટલ સામે ઓગડ જિલ્લા સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીને મેઇલ કરાયા
ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને મેઈલ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી અંદાજે 5,000 કરતાં પણ વધારે લોકોએ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની માંગણી કરી છે. તેમજ હિત રક્ષક સમિતિ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સ્કેનર રજૂ કરવામાં આવ્યું છે. જે સ્કેનરને સ્કેન કરવાની સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ઈમેલથી રજૂઆત કરી શકાય છે.
