Ajmal Chaudhary kidnapping case: બનાસકાંઠાના ડીસામાં છેલ્લા 27 દિવસથી ચાલી રહેલા વિવાદમાં પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. પાટણના સમીના અજમલ ચૌધરીના અપહરણ અને મારપીટ પ્રકરણમાં કાંકરેજ તાલુકાના ઓગડ સ્થિત દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથની પોલીસે અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ મથકે કિલ્લેબંધી જેવો માહોલ
શુક્રવારે સવારે 11 વાગ્યાથી મહંત બળદેવનાથની ડીસા તાલુકા પોલીસ મથકે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SP પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ DySP સી.એલ. સોલંકીની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ તપાસ એટલી ગોપનીય રાખવામાં આવી હતી કે પૂછપરછ દરમિયાન કોઈ ફોટો કે વીડિયો વાયરલ ન થાય તે માટે પોલીસ મથકના મુખ્ય ગેટને તાળાબંધી કરી દેવાઈ હતી. વધુમાં, તમામ અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
શું છે અપહરણ-મારામારીનો મામલો?
અજમલ ચૌધરી દ્વારા મહંતના વિરોધમાં એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેને લઈને તેનું અપહરણ કરી મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ ફરિયાદમાં મહંત બળદેવનાથનું નામ ન હોવાથી ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા 27 દિવસથી ચૌધરી સમાજ મહંતનું નામ ઉમેરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો.
આંદોલનની ચીમકી બાદ પોલીસ એક્શનમાં
ચૌધરી સમાજ દ્વારા આગામી 11 ઓગસ્ટે ગાંધીનગર ખાતે મોટા આંદોલનની તૈયારી કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને ધ્યાને રાખી બનાસકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહંતની અટકાયત કરી હતી. 4 કલાકની સઘન પૂછપરછ બાદ મહંત બળદેવનાથને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ સમાજ દ્વારા વિરોધના તમામ કાર્યક્રમો હાલ પૂરતા સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
