ઠાકોર સમાજમાં બંધારણ વિવાદ: ગબ્બર અને અર્જુન ઠાકોરના પરિવારમાં DJ વરઘોડો કાઢતા આક્રોશ; સમાજ દ્રોહી ગણાવી બહિષ્કારની માંગ

આ ઘટનાને પગલે ફેસબુક અને વોટ્સએપ પર યુવાનોમાં ભારે રોષ છે. અનેક લોકો આ કલાકારોને 'સમાજ દ્રોહી' ગણાવી તેમને સમાજ બહાર કરવાની અને તેમના કાર્યક્રમોના બહિષ્કારની માંગ કરી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 04 Feb 2026 09:18 AM (IST)Updated: Wed, 04 Feb 2026 09:18 AM (IST)
deesa-artists-gabbar-thakor-arjun-thakor-accused-of-violating-constitution-public-anger-grows

Thakor Community Unrest in Deesa: બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ પંથકના ઠાકોર સમાજ દ્વારા થોડા સમય પહેલાં જ 16 મુદ્દાઓ સાથેનું નવું સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધારણમાં લગ્ન પ્રસંગોમાં ડીજે (DJ) રાખવા પર પ્રતિબંધ સહિતના કડક નિયમો ઘડાયા હતા. જોકે, ડીસા તાલુકાના ઝાબડિયા ગામે જાણીતા કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારના લગ્ન પ્રસંગમાં આ નિયમોના ભંગ બદલ વિવાદ સર્જાયો છે.

શું છે સમગ્ર વિવાદ?

ઝાબડિયા ગામે ગબ્બર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરા મેરૂજી ઠાકોરના લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે બંધારણમાં પ્રતિબંધિત હોવા છતાં લાઈવ ડીજે સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બંને કલાકારોએ પોતે ગીતો ગાઈને આ વરઘોડામાં ભાગ લીધો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઠાકોર સમાજના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

કલાકારોનો બચાવ: 'નિયમો તોડ્યા નથી'

વિવાદ વકરતા બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે:

  • અર્જુન ઠાકોર: તેમણે પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે તેમણે 16 નિયમોમાંથી એક પણ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. વિરોધીઓ ખોટી રીતે વીડિયો વાયરલ કરી રહ્યા છે.
  • ગબ્બર ઠાકોર: તેમણે જણાવ્યું કે અમે જાનમાં ડીજે લાવ્યા નથી, પરંતુ સામેના પક્ષની જાનમાં ડીજે હતું. ગામની પરંપરા મુજબ ઉજવણી કરી છે અને અમને હેરાન કરવા માટે 'દેશદ્રોહી' જેવા શબ્દો વપરાય છે. તેમણે સવાલ કર્યો કે નિયમોમાં ડીજે, લાઈવ રમેણ કે સ્ટેજ શો અંગે વધુ ચોખવટ હોવી જોઈએ.

આગેવાનોની કડક કાર્યવાહીની ચીમકી

ઠાકોર સમાજના અગ્રણી મુકેશ ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, દિયોદરના ઓગડ મહારાજની સાક્ષીમાં સંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ બંધારણ નક્કી થયું હતું. સમાજના તમામ લોકો આનું પાલન કરે છે, ત્યારે કલાકારોએ સમાજથી ઉપરવટ જઈને નિયમો નેવે મૂક્યા છે.

આજે મોટી બેઠક:

બંધારણ સમિતિ અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો આજે એટલે કે 4 તારીખે ઝાબડિયા ગામે એકત્રિત થશે. સમાજમાં એક દાખલો બેસે તે રીતે આ બંને કલાકારો સામે કડકમાં કડક સામાજિક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ

આ ઘટનાને પગલે ફેસબુક અને વોટ્સએપ પર યુવાનોમાં ભારે રોષ છે. અનેક લોકો આ કલાકારોને 'સમાજ દ્રોહી' ગણાવી તેમને સમાજ બહાર કરવાની અને તેમના કાર્યક્રમોના બહિષ્કારની માંગ કરી રહ્યા છે. જાગૃત નાગરિકોનું કહેવું છે કે નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ નહીં, પણ સેલિબ્રિટીઝ માટે પણ સમાન હોવા જોઈએ.