Deesa Agro Traders Strike: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સોમવારે એગ્રો વેપારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સજ્જડ હડતાળ પાડી હતી. જોકે, એગ્રો વેપારીઓની આ હડતાળના પગલે ખેતી સંબંધિત તમામ બજાર વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.
દુકાનો બંધ રહેતા બજારમાં સન્નાટો
બનાસકાંઠા એગ્રો ઈનપુટ એસોસિએશનના આહવાનથી અને તાલુકા એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશન દ્વારા આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હડતાળમાં ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના તમામ વેપારીઓ જોડાયા હતા. સવારથી જ બજારોમાં ખાતર, બિયારણ, કીટનાશક અને જીવાતનાશક દવાઓનું વેચાણ કરતી તમામ એગ્રો દુકાનો બંધ રહેતા બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો, અને દૈનિક ટર્નઓવર સંપૂર્ણપણે અટકી ગયું હતું.
ખેડૂતો પર હડતાળની સીધી અસર
આ હડતાળનો સીધો પ્રભાવ ખેડૂતો પર જોવા મળ્યો હતો. હાલમાં પાકની સંભાળ અને વાવણીનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ખેતી માટે જરૂરી સામાન ખરીદવા આવેલા અનેક ખેડૂતોને સામગ્રી ન મળતાં નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
શું છે વેપારીઓની મુખ્ય માંગણી?
એગ્રો વેપારીઓએ ખાતર કંપનીઓની નીતિઓનો સખત વિરોધ નોંધાવ્યો છે. સાથે જ તેમણે કેટલીક મુખ્ય માંગણી પણ કરી હતી.
- ફરજિયાત નેનો યુરિયા બંધ કરો: કંપનીઓ દ્વારા યુરિયા અને DAP સાથે નેનો યુરિયા તથા લિક્વિડ DAP લેવાનું ફરજિયાત કરવામાં આવે છે, જેનાથી ખેડૂતો અને વેપારીઓ પર આર્થિક બોજ વધે છે. આ નીતિ તાત્કાલિક બંધ થવી જોઈએ.
- ઉત્પાદક કંપની સામે કાર્યવાહી થાય: જ્યારે બિયારણ અથવા દવા ખરાબ નીકળે છે, ત્યારે નાના ડીલરોને જવાબદાર ઠેરવવાના બદલે તેનો સીધો દોષ ઉત્પાદક કંપની પર નાખવો જોઈએ અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
- સમયસર ખાતરનો પુરવઠો: વાવણીના મુખ્ય સમયે ખાતરનો અભાવ જોવા મળે છે. સીઝન પૂર્ણ થયા બાદ વધારાનો જથ્થો પકડાવવામાં આવે છે, જેની સીધી અસર ખેતી પર પડે છે.
ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
વેપારીઓએ સ્પષ્ટ કર્યું કે, સોમવારની આ હડતાળ માત્ર એક દિવસ માટેનું સાંકેતિક પ્રદર્શન હતું, જેનો ઉદ્દેશ સરકારનું ધ્યાન તેમની લાંબા સમયથી પડતર રહેલી માંગણી તરફ દોરવાનો છે. જોકે, આ ગંભીર પ્રશ્નોનો યોગ્ય અને ઝડપી ઉકેલ ન આવે, તો આગામી સમયમાં વધુ કડક આંદોલન શરૂ કરવાની સ્પષ્ટ ચેતવણી પણ એગ્રો વેપારીઓ દ્વારા આપવામાં આવી છે.
