Deesa News: બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે તંત્રની ટીમે ડીસાના રીસાલા બજાર સ્થિત શાંતિ એપાર્ટમેન્ટ નીચે આવેલ મેસર્સ સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સના ગોડાઉન પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
લાયસન્સ વગર ગેરકાયદેસર સંગ્રહ પકડાયો
તપાસ દરમિયાન પેઢીના માલિક વિપુલભાઈ જયંતિલાલ પંચીવાલા કોઈપણ જાતના માન્ય લાયસન્સ કે પરવાના વગર ગેરકાયદેસર રીતે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો સંગ્રહ કરતા રંગેહાથ ઝડપાયા હતા.
'હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી' ના સેમ્પલ લેબોરેટરી મોકલાયા
ગોડાઉનમાં સંગ્રહ કરાયેલા ઘીની ગુણવત્તા શંકાસ્પદ જણાતાં અધિકારીઓએ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006’ હેઠળ 'હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી' (500 મિ.લિ. પેક) નો કાયદેસર નિયમાનુસાર નમૂનો લીધો હતો. આ સેમ્પલને વધુ સઘન ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં ફૂડ એનાલિસ્ટને મોકલી આપવામાં આવ્યો છે.
188 લિટર શંકાસ્પદ ઘી સ્થળ પર જ સીઝ કરાયું
નમૂના લીધા બાદ તંત્ર દ્વારા સ્થળ પરથી આશરે ₹1,22,000ની બજાર કિંમત ધરાવતો 188 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત (સીઝ) કરી દેવાયો છે.
પેઢી માલિક સામે કાયદાકીય કાર્યવાહી, તંત્રની કડક ચેતવણી
આ સમગ્ર મામલે જવાબદાર પેઢી માલિક વિરુદ્ધ કાયદાના કડક પ્રાવધાનો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ખેલ કરનાર કે અશુદ્ધ-ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ અવિરત ચાલુ રહેશે તેવી વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
