ગુજરાતમાં કોંગો ફીવરની એન્ટ્રી, બનાસકાંઠામાં નોંધાયો શંકાસ્પદ કેસ; જાણો તેના લક્ષણો અને સાવચેતીના ઉપાયો

અસરગ્રસ્ત યુવકને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 25 Aug 2026 12:26 PM (IST)Updated: Tue, 25 Aug 2026 12:26 PM (IST)
congo-fever-suspected-case-deesa-akhol-village-banaskantha-news
Banaskantha Congo Fever Case

Banaskantha Congo Fever Case: ગુજરાતમાં વાયરલ અને ચેપી રોગોના નવા કેસો સતત સામે આવી રહ્યા છે. જેના પગલે ગુજરાત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં કોંગો ફીવર (Crimean-Congo Hemorrhagic Fever) નો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. હાલ અસરગ્રસ્ત યુવકને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

ડીસા તાલુકાના યુવકમાં શંકાસ્પદ લક્ષણો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા આખોલ ગામના 34 વર્ષીય યુવકમાં કોંગો ફિવરનો શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. યુવકની તબિયત અચાનક લથડતાં તેને તાત્કાલિક બનાસકાંઠાથી વધુ સારવાર અર્થે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ દર્દીને ICU વોર્ડમાં વિશિષ્ટ દેખરેખ હેઠળ રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

કોંગો ફીવરની સત્તાવાર પુષ્ટિ કરવા માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીના લોહીના સેમ્પલ મેળવીને તાત્કાલિક ધોરણે પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ કોંગો ફીવર છે કે નહીં તેની વિધિવત પુષ્ટિ કરવામાં આવશે.

પશુપાલન વિભાગની ટીમ આખોલ પહોંચી

બીજી તરફ, આ કેસની માહિતી મળતાની સાથે જ પશુપાલન વિભાગની વેટરનરી ટીમ તાત્કાલિક બનાસકાંઠાના આખોલ ગામે પહોંચી ગઈ છે. કોંગો ફીવર મુખ્યત્વે પશુઓના શરીર પર જોવા મળતી 'ઈતરડી' (Ticks) કરડવાથી ફેલાય છે. વેટરનરી ટીમે ગામમાં પશુઓની સઘન તપાસ હાથ ધરી અને ઈતરડીનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી તેજ કરી છે.

આરોગ્ય વિભાગ દ્વારા પીડિત દર્દીના સંપર્કમાં આવેલા તેના પરિવારજનો અને અન્ય ગ્રામજનોના સ્વાસ્થ્ય પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વધુમાં, આ સ્થિતિને પગલે રાજ્ય સરકારે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને અત્યંત સતર્ક રહેવા કડક આદેશ આપ્યા છે.

કોંગો ફીવરના લક્ષણો અને સાવચેતીના ઉપાયો?

કોંગો ફીવર એ વાયરસથી ફેલાતો એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે. તે ખાસ કરીને પશુપાલકો અને પશુઓના સતત સંપર્કમાં રહેતા લોકોમાં ઈતરડીના કરડવાથી અથવા સંક્રમિત પશુના લોહી કે દ્રવ્યોના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે.

મુખ્ય લક્ષણો: અચાનક તીવ્ર તાવ આવવો, શરીરમાં તેમજ સ્નાયુઓમાં અસહ્ય દુખાવો થવો, ચક્કર આવવા, ઉલટી થવી, આંખો લાલ થઈ જવી અને રોગના ગંભીર કિસ્સાઓમાં શરીરના વિવિધ ભાગોમાંથી અચાનક રક્તસ્રાવ શરૂ થવો.

બચવાના ઉપાયો અને સાવચેતી: પશુપાલકોએ પોતાના પશુઓ પર નિયમિતપણે ઈતરડીનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. પશુઓ સાથે કામ કરતી વખતે કે ગૌશાળામાં સાફ-સફાઈ કરતી વખતે ફરજિયાત પણે રક્ષણાત્મક કપડાં પહેરવા અને પશુ રાખવાની જગ્યાએ સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી.

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહેવા અને જો કોઈને પણ તીવ્ર તાવ કે અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક સાધવા નમ્ર અપીલ કરવામાં આવી છે.