પાલનપુરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ઉદ્યોગપતિ હસમુખ પટેલ રાજસ્થાનથી ઝડપાયો; કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

બનાસકાંઠાના DYSP જે. જે. ગામીતે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, પોલીસ હાલ તમામ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરી રહી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 16 Jan 2026 09:16 AM (IST)Updated: Fri, 16 Jan 2026 09:16 AM (IST)
businessman-hasmukh-patel-who-raped-a-minor-in-palanpur-was-arrested-from-rajasthan

Palanpur News: પાલનપુર પંથકની એક સગીરાને લલચાવી-ફોસલાવી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા સ્થાનિક ઉદ્યોગપતિ હસમુખ પટેલની બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફેક્ટરી સહિતના સ્થળોએ આચર્યું દુષ્કર્મ

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આરોપી હસમુખ પટેલે સગીરાને વિવિધ લોભ-લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ શારીરિક શોષણ કરતો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીએ ચંડીસર ખાતે આવેલી પોતાની ફેક્ટરીમાં પણ સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.

રાજસ્થાનથી ધરપકડ અને રિમાન્ડ

આ ઘટનાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા, પરિવારે હિંમત દાખવી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાતા જ આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી દબોચી લીધો હતો. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસની વાલીઓને અપીલ

બનાસકાંઠાના DYSP જે. જે. ગામીતે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, પોલીસ હાલ તમામ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરી રહી છે. તેમણે વધુમાં વાલીઓને જાગૃત રહેવા અપીલ કરતા કહ્યું કે, "માતા-પિતાએ પોતાના બાળકોની ગતિવિધિઓ પર ધ્યાન રાખવું જોઈએ. જો કોઈપણ પ્રકારની છેડતી કે હેરાનગતિ જેવી શંકાસ્પદ બાબત જણાય, તો ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ, જેથી આવી ગુનાહિત ઘટનાઓને રોકી શકાય." હાલમાં પાલનપુર પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે.